અમદાવાદ, તા.૨૨
સમગ્ર દેશમાં વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ સહિત કુલ ૯૦ શહેરોને સ્માર્ટસીટી તરીકેનો દરજ્જો આપીને તમામ શહેરોને સ્માર્ટસીટી પ્રોજેકટ હેઠળ વિકાસકાર્યો કરવા માટે ગ્રાંટની રકમની ફાળવણી કરી છે આ શહેરોની યાદીમાં અમદાવાદ શહેર એ સ્માર્ટસીટી પ્રોજેકટ પાછળ ખર્ચ કરનારુ પ્રથમ શહેર બની જવા પામ્યું છે.આ અંગે મળતી માહિતી અનુસાર,કેન્દ્રની વર્તમાન સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં અત્યારસુધીમાં દેશભરમાંથી ૯૦ જેટલા નાના-મોટા શહેરોને સ્માર્ટસીટી તરીકે જાહેર કરીને તમામ શહેરોને સ્પેશીયલ પરપઝ ઓન વ્હીલ પર મુકયા છે આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા આ તમામ શહેરોને માળખાગત સુવિધા ઉભી કરવાની સાથે વિવિધ પ્રોજેકટ હાથ ધરવા માટે ગ્રાંટની ફાળવણી પણ કરવામાં આવી રહી છે.કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી આ પ્રકારની ગ્રાંટની સામે આ રકમનો સૌથી વધુ ખર્ચ કરવાવાળા શહેર તરીકે અમદાવાદ શહેર હવે પ્રથમ શહેર બની ગયુ છે.અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટસીટી પ્રોજેકટ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ રૂપિયા ૮૦.૧૫ કરોડની રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.જેમાં ટ્રાફિક મેનેજમેન્ટના અપગ્રેડેશનની સાથે નવા વિસ્તારોનો વિકાસ અને હેરીટેજ વેલ્યુની જાળવણીના વિવિધ પ્રોજેકટનો પણ સમાવેશ થાય છે.કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી સ્માર્ટસીટી તરીકે જાહેર કરવામાં આવેલા દરેક શહેરોને રૂપિયા ૧૯૬ કરોડની રકમ ગ્રાંટ પેટે ફાળવી આપવામાં આવી હતી.જેમાં અમદાવાદ શહેર દ્વારા આ બાબતો માટે સૌથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.અમદાવાદ ઉપરાંત ઈંદોર શહેરમાં સ્માર્ટસીટીના પ્રોજેકટ પાછળ કુલ રૂપિયા ૭૦.૬૯ કરોડનો ખર્ચ કરવામાં આવતા એ બીજા ક્રમે છે.જ્યારે સુરત ૪૩.૪૧ કરોડની રકમના ખર્ચ સાથે ત્રીજા ક્રમે છે.ભોપાલ ૪૨.૮૬ કરોડના ક્રમ સાથે ચોથા ક્રમે છે જયારે ભુવનેશ્વર રૂપિયા ૪૧.૯૭ કરોડના ખર્ચ સાથે આ યાદીમાં પાંચમા ક્રમે મુકવામાં આવ્યું છે.