અમદાવાદ, તા.૨૯
ગત વર્ષે ૨૫મી જૂનના રોજ અમદાવાદ શહેર સાથે સંકળાયેલા સ્માર્ટ સિટી સાથેના વિવિધ પ્રોજેકટોની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જે આજે ૧૫ મહીનાના સમય પછી પણ હજુ પાઈપલાઈનમાં જ છે.જે પ્રોજેકટોની જાહેરાત કરવામાં આવી હતી તેમાં ઓનલાઈન જન્મ કે મરણના સર્ટીફિકેટ,ઈ-રીક્ષા,ઈ-ટેકસી સહીતના પ્રોજેકટોનો સમાવેશ થાય છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ,ગત ૨૫મી જૂન-૨૦૧૬ના રોજ અમદાવાદ શહેરમાં સ્માર્ટસિટી પ્રોજેકટ હેઠળ શહેરમાં ઈ-રીક્ષા અને ઈ-ટેકસી પ્રોજેકટની જાહેરાત કરવામાં આવી હતી.જે મુજબ શહેરમાં કાલુપુર રેલવે સ્ટેશનથી લઈને શિવરંજની અને હેલ્મેટ સર્કલ સહીતના વિવિધ વીસ જેટલા સ્થળોએથી શહેરીજનોને આ રીક્ષા કે ટેકસીની સર્વિસ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે એ પ્રકારની જાહેરાત તંત્ર તરફથી કરવામાં આવી હતી.આજે પરિસ્થિતિ એ છે ૧૫ મહીનાનો સમય પસાર થઈ જવા છતાં હજુ સુધી આ આયોજન માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહ્યું છે.આ ઉપરાંત શહેરીજનોને મ્યુનિસિપલ વહીવટીતંત્ર તરફથી એક કોમન પેમેન્ટ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવનાર હતા.આ કાર્ડ માટે કોઈ મિનીમમ બેલેન્સની જોગવાઈ રાખવામાં આવી ન હતી.પરંતુ આ એક જ કાર્ડની મદદથી અમદાવાદનો નાગરિક તેનો મિલ્કતવેરો પણ ભરી શકવાનો હતો,ઈલેકટ્રીક બીલ પણ અને સાથે જ આ કાર્ડની મદદથી તે એએમટીએસ કે બીઆરટીએસમાં પણ મુસાફરી કરી શકવાનો હતો.આ કોમન પેમેન્ટકાર્ડ માટે હજુ સુધી સોફટવેર પણ તૈયાર ન હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ-ગવર્નન્સ પ્રોજેકટ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે.બીજી તરફ શહેરીજનોને ઓનલાઈન એપ્લીકેશન કરવાની સાથે જ જન્મ કે મરણ અંગેના સર્ટીફિકેટ આપવાની યોજનામાં હજુ સુધી માત્ર શહેરની ૨૭૦ જેટલી હોસ્પિટલોને જ સાંકળવાની કામગીરી પુરી કરવામાં આવી છે.તો કુરીયરથી સર્ટીફિકેટ પહોંચાડવા માટે હજુ સુધી માત્ર ડમી ડેમોન્સ્ટ્રેશન જ કરાયુ છે.આમ મોટા ઉપાડે જાહેર કરવામાં આવેલા આ પ્રોજેકટ કયારે પુરા થશે તે અંગે મ્યુનિ.માં કોઈ ખોંખારીને કહી શકતું નથી.