ગોદાવરી,તા.૨૫
સામાન્ય રીતે લોકો કામ વગર સ્મશાનમાં જવાનું ટાળતા હોય છે. પરંતુ આંધ પ્રદેશના એક નેતાએ તો સ્મશાનમાં આખી રાત ગાળી હતી.
આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જીલ્લામાં તેલુગૂ દેશમ પાર્ટીના ધારાસભ્ય નિમ્માલા રામા નાયડૂએ એક આખી રાત સ્મશાનમાં ગાળી હતી. તેઓ સ્મશાનના નવીનીકરણનું કામ કરી રહેલા મજૂરોનો ડર દૂર કરવા માંગતા હતાં. તેઓ સંદેશ આપવા માંગતા હતાં કે, ખરાબ આત્માઓ જેવી કોઈ વસ્તુ નથી હોતી. માટે જ તેઓ આખી રાત સ્મશાનમાં સુતા અને સવારે ઉઠીને પોતાના ઘરે ગયા. ધારાસભ્યએ જાહેરાત કરી હતી કે, તેઓ હજી બે-ત્રણ દિવસ સ્નશાનમાં સુવા જશે. તેઓ આમ એટલા માટે કરી રહ્યાં છે કારણ કે, મજૂરો સ્મશાનમાં કામ કરવા જતા ડરી રહ્યાં છે. તેમના આમ કરવાથી મજૂરોની હિંમત વધશે. વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, સ્મશાનમાં સુવિધા નથી. લોકોની ફરિયાદ બાદ સ્મશાનના નવીનીકરણ માટે ધારાસભ્યને પૈસા ફાળવવામાં આવ્યા, પરંતુ સ્મશાનમાં કોઈ કામ કરવા તૈયાર ન હતું. અંતે ધારાસભ્ય નાયડૂ એક કોન્ટ્રાક્ટરને મળ્યા, જે ત્યાં કામ કરવા માટે તૈયાર તો થયો, પણ તેના મજૂર કામ કરતા ડરતા હતાં. થોડા દિવસ પહેલા જ મજૂરોએ એક સળગતો મૃતદેહ જોયો હતો, ત્યાર બાદ તેમનામાં ભારે ડર ફેલાઈ ગયો હતો. અંતે મજૂરોનો ડર દૂર કરવા માટે ધારાસભ્ય પોતે જ સ્મશાનમાં રાત આખી સુતા હતા. સ્મશાનમાં રાત કેવી રહી તે બાબતે તેમણે કહ્યું હ્‌તું કે, અહીં મચ્છરોનો ભારે ત્રાસ છે. પરંતુ મેં મચ્છરદામી મંગાવી લેતા રાહત થઈ હતી.