માળિયામિંયાણા, તા.૨૩
માળિયામિંયાણાના ખાખરેચી ગામે નવનાલા બેઠાપુલ નજીક સ્મશાનની બાજુમાં બાળકોને દફનાવવાની જગ્યા ઉપર મોબાઈલ ટાવર ખડકાતા મોબાઈલ કંપની સામે ખાખરેચી ગામના જાગૃત નાગરિકો ખફ્ફા થયા છે. ખાખરેચી ગામના સામાજિક કાર્યકરોએ ટાવરનું કામ બંધ કરાવી મોરબી જિલ્લા કલેકટર ડીડીઓ, ટીડીઓ તથા માળિયા મામલતદાર સહિતના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી ઘટતું કરવા લોકમાંગ ઉઠી છે. ખાખરેચી સ્મશાનની બાજુમાં મોબાઈલ ટાવર બનાવવાનુંુ કામકાજ પૂરજોશમાં ચાલતું હતું તે દરમિયાન ગામના જાગૃત અને સામાજિક કાર્યકરોએ કામને રોકી હોંકળામાં ઊભા કરાતાં ટાવરથી અનેક અડચણો ઊભી થવાની દહેશત હોવાથી કામને ઠપ્પ કરાવ્યું હતું. જેમાં આ ટાવર અહી ઊભો થાય તો ગામના નવા તળાવનુંુ ઓવરફ્લો થતું પાણી અહીથી પસાર થાય છે. જે પુષ્કળ પ્રમાણમાં આ બેઠાપૂલ પર પાણી વહેતું હોવાથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જાય છે. ઉપરાંત આજુબાજુના વિસ્તાર જળબંબાકાર થઈ જતાં હોવાથી અહીના રહીશોને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તેમાં પણ આ ટાવર અહી ઊભો કરવામાં આવે તો વહેતા પાણીને અડચણરૂપ થાય જેથી વધુ વરસાદ થાય તો હોંકળાની સપાટી વધે તો આજુબાજુમાં રહેતા ભરવાડવાસ તથા કુંભારવાસના મકાનો ડૂબમાં આવી જાય અને પાણી ભરવાડવાસના જૂના રસ્તે પાણી ભરાવો થવાની દહેશતથી માલઢોર દયનીય હાલતમાં મુકાઈ તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી સ્થિતિના ડરથી આ વિસ્તારના લોકોએ કામ ઠપ્પ કરાવી રજૂઆત કરી ઘટતુ કરવાની માગણી ઉઠવા પામી છે. ખાખરેચી ગામના જાગૃત તથા સામાજિક કાર્યકરમાં મનુભાઈ મેવાડા, ભરતભાઈ દેગામા, રમેશભાઈ દેવીપુજક, શંકર ધરમશીભાઈ પટેલ, નરશી જોધાભાઈ ભરવાડ, પરેશ પ્રજાપતિ તથા જગદીશ પટેલ સહિતનાએ લેખિત અરજી આપી યોગ્ય નિકાલ કરવા જણાવ્યું હતું. તદુપરાંત આ કામને ધ્યાને નહી લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.