નવી દિલ્હી,તા.૨૯
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર બોલ સાથે છેડછાડના કારણે એક વર્ષનો પ્રતિબંધ ભોગવી રહેલા ડેવિડ વોર્નર અને સ્ટિવન સ્મિથનો પ્રતિબંધ સમય પહેલા ખતમ થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિયેશન સતત સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર લાગેલા પ્રતિબંધને જલ્દી ખતમ કરવાની માંગણી કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિયેશનના મતે વધારે પડતા દબાણના કારણે વોર્નર, સ્મિથ અને બેનક્રોફ્ટે બોલ ટેમ્પરિંગ કરી હતી.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિયેશનના મતે આ ખેલાડીઓ ઉપર જીત માટે ઘણું વધારે દબાણ બનાવવામાં આવ્યું હતું. જેના કારણે ખેલાડીઓએ પોતાની મર્યાદા ઓળંગી હતી. એસીએના અધ્યક્ષ અને પૂર્વ વિકેટકિપર ગ્રેગ ડાયરે નિવેદન આપ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં જે પણ કાંઈ બન્યું તે એક સિસ્ટમ અને સંસ્કૃતિનું ખરાબ પરિણામ હતું. ખેલાડીઓ ઉપર જીત માટે ઘણું વધારે દબાણ રાખવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ બદલાઈ ચુક્યા છે. બની શકે તે સદરલેન્ડના જવાથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પ્રતિબંધના નિર્ણય પર વિચાર કરે. જો આમ થશે તો વોર્નર અને સ્મિથ જલ્દી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી શકે છે અને ભારત સામે રમાનાર શ્રેણીમાં ટીમના સભ્ય પણ બની શકે છે. ઓસ્ટ્રેલિયાને વોર્નર અને સ્મિથને ખોટ પડી રહી છે. કાંગારૂની ટીમે પાકિસ્તાન સામે ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા પછી ટી-૨૦ શ્રેણી પણ ૩-૦થી ગુમાવી છે.
સ્મિથ-વોર્નર પરનો પ્રતિબંધ સમય પહેલા ખતમ થઇ શકે

Recent Comments