(એજન્સી) અમેઠી, તા.૧૯
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સોમવારે (૧૯ નવેમ્બર) અમેઠીના એક દિવસીય પ્રવાસે જવાના હતા, ત્યારે તેમના પહોંચતા પહેલાં જ અમેઠીના મુખ્ય વિસ્તારોમાં તેનો વિરોધ કરવા માટે ‘ગુજરાતી ઈરાની વાપસ જાઓ’ લખેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર સમાજવાદી પાર્ટી વિદ્યાર્થી સભાના પ્રદેશ કાર્યકારિણીના સભ્ય જયસિંહ પ્રતાપ યાદવ દ્વારા લગાવવામાં આવ્યા છે. જેના પર તેમણે લખાવ્યું છે કે, તમારા ગુજરાત રાજ્યમાં ઉત્તર ભારતીયો પર સતત અત્યાચાર થઈ રહ્યા છે જ્યારે તમે તેમની સાથે નથી તો તમને ઉત્તર ભારત (અમેઠી)માં આવવાનો કોઈ હક નથી. આ વિરોધ કરનારા પોસ્ટર અમેઠીના ર૦ મુખ્ય ચાર રસ્તાઓ પર લગાવવામાં આવ્યા છે. ખાસ વાત તો એ છે કે, આ પોસ્ટર ડીએમ-એસપી ઓફિસ અને તેમના આવાસની આસપાસ પણ લગાવવામાં આવ્યા છે.