(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
ચાર વર્ષ પહેલા વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ જ્યારે પોતાના પહેલા મંત્રીમંડળની રચના કરી હતી તો તે સમયે સૌથી વધુ ચર્ચા સ્મૃતિ ઈરાનીની હતી. અનુભવ અને ઉંમરના હિસાબમાં ઘણી સિનિયર એવી સ્મૃતિ ઈરાનીને માનવ સંસાધન વિકાસ જેવું દમદાર મંત્રાલય મળ્યું હતું. તેનાથી અંદાજો મળી ગયો હતો કે સરકારમાં તેમનું મહત્વ શું છે. પરંતુ ચાર વર્ષથી ઓછા સમયમાં સ્મૃતિ ઈરાનીનું પદ અને કદ સતત ઘટી રહ્યું છે. પહેલા માનવ સંસાધન મંત્રાલય પાછું લઈ લેવામાં આવ્યું અને તેમને કાપડ મંત્રાલય આપવામાં આવ્યું. પછી તેની સાથે સૂચના અને પ્રસારણ મંત્રાલયની કમાન આપવામાં આવી પરંતુ સોમવારે ફરીથી આ મંત્રાલય તેમની પાસેથી લઈ લેવામાં આવ્યું હતું.
શા માટે સ્મૃતિ ઈરાની પાસેથી આટલું મહત્ત્વનું મંત્રાલય પાછું લઈ લેવામાં આવ્યું. જે ખબર ભાજપના મુખ્યાલયના સૂત્રો પાસેથી મળી છે તે પ્રમાણે તેમની પાસેથી મંત્રાલય પાછું લાવે માટે આ પાંચ કારણો જવાબદાર ગણવામાં આવી રહ્યા છે.
ભરોસો ઓછો થવો : સાંભળવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હવે સ્મૃતિ ઈરાની પર ઘણો ઓછો વિશ્વાસ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં એવી ઘણી તક આવી જ્યારે વડાપ્રધાન કાર્યાલયે અનુભવ્યું છે કે સ્મૃતિ ઈરાનીએ બધી વાતો ક્લિયર કહી નથી. પછી તે માનવ સંસાધન મંત્રાલય સંભાળતી વખતે થયેલ ડિગ્રીનો વિવાદ હોય અથવા તો સૂચના પ્રસારણ મંત્રી તરીકે તેમની પર મીડિયા પર પ્રતિબંધ મૂકવાની કોશિશ સાથે જોડાયેલો વિવાદ હોય.
અમિત શાહથી દૂર રહેવું : જાણવા મળેલી વાતો પ્રમાણે ભાજપના અધ્યક્ષ અમિત શાહની ટીમમાં પણ સ્મૃતિ ઈરાનીની કોઈ જગ્યા નથી. ગુજરાતની ચૂંટણી વખતે ગુજરાતના રાજ્યસભાના સાંસદ હોવા છત્તાં સ્મૃતિ ઈરાનીને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું ન હતું તે સમયથી જ ખબરો ફેલાઈ છે કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. ભાજપના સૂત્રો મુજબ સ્મૃતિ ઈરાની આજ સુધી ભાજપની કામ કરવાની રીતને સમજી શક્યા નથી. જો કોઈ મહત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં તેમને મુખ્ય વક્તા તરીકે આમંત્રણ આપવામાં આવે તો પણ તેઓ ઈચ્છતા હોય છે કે આ આમંત્રણ સીધે સીધું ભાજપના અધ્યક્ષ તરફથી આપવામાં આવે.
સંઘથી પણ થયા દૂર : ૨૦૧૪માં મંત્રીમંડળની રચનાના સમયે સ્મૃતિ ઈરાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઘણી નજીકની માનવામાં આવી રહી હતી. સંઘના કોઈ નેતા તેમની પર્સનલ વાતચીતમાં તેમને ખૂબ જ પ્રતિભાશાળી માનતા હતા. જે રીતે ઈરાનીએ ઘણા ઓછા સમયમાં અમેઠીની સીટ પર રાહુલ ગાંધીને ટક્કર આપી હતી, તેનાથી સંઘ ઘણું પ્રભાવિત થયું હતું. પરંતુ ૨૦૧૮ આવતા સુધીમાં ઈરાનીની પરવા કરનારો કોઈ મોટો નેતા હાલ દેખાતો નથી. સ્મૃતિ ઈરાનીએ છેલ્લા ૪ વર્ષમાં એક પછી એક તમામને નારાજ કર્યા છે. હમણાં ભાજપ અને સંઘમાં અલગ અલગ કેમ્પ છે. સ્મૃતિ ઈરાની એકમાત્ર એવા મંત્રી છે જે કોઈ કેમ્પમાં ફીટ થયા નથી.
ચર્ચા-વિચારણામાં ઓછો વિશ્વાસ : કેટલાક મહિના પહેલા સ્મૃતિ ઈરાનીના પ્રશંસક રહેલા ભાજપના એક નેતાએ કહ્યું હતું કે, સ્મૃતિ ઈરાનીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે જબરદસ્ત મહેનત કરે છે. અંગ્રેજી, હિન્દી બંને ભાષા પર તેમની સારી પકડ છે. એક એક ફાઈલને તેઓ જાતે વાંચે છે અને પોતાના દરેક મંત્રાલયની જાતે ખબર રાખે છે. પરંતુ સ્મૃતિ ઈરાનીની કમજોરી એ છે કે તે કોઈના પર વિશ્વાસ કરી શકતા નથી. તેથી તે કોઈની સાથે ચર્ચા વિચારણા કર્યા વગર નિર્ણય લઈ લે છે.
સ્મૃતિ ઈરાનીને સૂચના પ્રસારણ મંત્રી બનાવવા પાછળ મોદી સરકારનો ઈરાદો એકદમ સાફ હતો. જાણકારી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં એક એવા સૂચના મંત્રી ઈચ્છતા હતા જે ટેલિવિઝનને સમજતા હોય. જેનો સમાચારપત્ર અને ટેલિવિઝન ચેનલોના સંપાદકો અને માલિકો સાથે સારો સંબંધ હોય. સૂચના પ્રસારણ મંત્રી બન્યા પહેલા સ્મૃતિ તેમની આ કસોટી પર ખરા ઉતર્યા હતા.
પરંતુ મંત્રી બન્યા પછી સ્મૃતિ ઈરાનીએ કંઈક એવું કર્યું જેનાથી સૌ કોઈ તેમનાથી નારાજ થતા ગયા. ન્યૂઝ ચેનલને સરકારે દૂરદર્શનના ડીટીએચ દ્વારા ગામડામાં ચેનલ બતાવવાની પરવાનગી આપી હતી. જેના બદલે સરકારને કરોડો રૂપિયા મળ્યા હતા. પરંતુ સ્મૃતિ ઈરાનીએ ન્યૂઝ ચેનલને ડીડીના પ્લેટફોર્મ પરથી હટાવવાનો નિર્ણય કરી લીધો અને તે માટેનો આદેશ પણ આપી દીધો હતો. જેના લીધે એક જ ઝટકામાં ન્યૂઝ ચેનલ્સ અને સરકાર આમને સામને આવી ગયા હતા. ભાજપના એક નેતા કહે છે કે, ક્યારેક ક્યારેક એવું પણ થતું હતું કે એક હાઈપ્રોફાઈલ મંત્રાલયને લો પ્રોફાઈલ નેતા સારી રીતે ચલાવી શકે છે. સ્મૃતિ ઈરાનીને શીખવું હોય તો નિર્મલા સીતારામન પાસેથી શીખે. ૨૦૧૪માં નિર્મલા રાજ્યમંત્રી હતા અને આજે તે દેશના રક્ષા મંત્રી છે.