કરાંચી,તા.૬
વિરાટ કોહલી અને રિકી પોન્ટિંગ પછી પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ૪ ડે ટેસ્ટના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. અખ્તરે કહ્યું કે, “આ પ્રસ્તાવ બકવાસ છે અને એશિયન ટીમો વિરુદ્ધ એક કાવતરું છે. તેને બીસીસીઆઈ અમલમાં નહીં મૂકે. સૌરવ ગાંગુલી એક બુદ્ધિમાન અને સમજદાર વ્યક્તિ છે. તે ક્યારેય ટેસ્ટ ક્રિકેટને નુકસાન નહીં પહોંચાડે. તે ઇચ્છશે કે ટેસ્ટ ક્રિકેટ હંમેશાની જેમ ચાલતું રહે અને ભારત શિખર પર રહે.” અખ્તરે આ વાત રવિવારે એક વીડિયોમાં પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહી હતી.
અખ્તરે કહ્યું કે, આ વિચાર સંપૂર્ણ રીતે બકવાસ છે અને તેમાં કોઈએ રસ લેવો જોઈએ નહીં. બીસીસીઆઈની અનુમતિ વગર આઈસીસી તેને અમલમાં મૂકી શકે નહીં. તેથી બીસીસીઆઈનો સાથ આપતા ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના ક્રિકેટર્સે આનો વિરોધ કરવો જોઈએ.
અખ્તરે કહ્યું કે, સચિને એકદમ સાચું કીધું છે. તેમણે કહ્યું છે કે, આ બદલાવ થશે તો પછી ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનર્સ શું કરશે? આપણે ત્યાં જ દાનિશ કનેરિયા, મુશ્તાક અહેમદ, રવિચંદ્રન અશ્વિન, હરભજન સિંહ અને અનિલ કુંબલે જેવા સ્પિનર્સ છે, જેમણે ૪૦૦-૫૦૦ ટેસ્ટ વિકેટ લીધી છે. તેમનું શું થશે?