(એજન્સી) નવી દિલ્હી, તા.૩
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં લઈ સોશિયલ મીડિયા પર વધારે ફોકસ કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને પાર્ટીએ પ્રદેશ તથા જિલ્લા સ્તરના બધા અધિકારીઓ, વર્તમાન ધારાસભ્યો અને ટિકિટના દાવેદારોને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનું ફરજિયાત કરી દીધું છે. પાર્ટીએ આ બાબતે જારી કરેલ આંતરિક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટી સોશિયલ મીડિયામાં મજબૂતીની દિશામાં ઘણા સજ્જડ પગલાંઓ ઉઠાવી રહી છે. પાર્ટીના પરિપત્ર મુજબ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટના દાવેદારોના ફેસબુક પેજ પર આશરે ૧૫ હજાર લાઇક્સ અને ટિ્‌વટર પર પાંચ હજાર ફોલોવર્સ હોવા જોઈએ. પરિપત્ર મુજબ બુથ લેવલનું વોટ્‌સએપ ગ્રુપ પણ હોવું જોઈએ. આ ઉપરાંત તેઓએ મધ્યપ્રદેશ કોંગ્રેસના દરેક ટિ્‌વટ અને પોસ્ટને લાઈક અને રિ-ટિ્‌વટ પણ કરવી પડશે. મધ્યપ્રદેશની વિધાનસભા ટિકિટ મેળવવા ઇચ્છતા લોકો ૧૫ સપ્ટેમ્બર સુધી ટ્‌વીટર, ફેસબૂક અને વોટ્‌સએપની જાણકારી મધ્યપ્રદેશ કોંગ્રેસના આઇટી વિભાગને આપવા કહેવામાં આવ્યું છે. પાર્ટીના સંગઠન પ્રભારી અને ઉપાધ્યક્ષ ચંદ્રપ્રભાષ શેખરે રવિવારે આ પરિપત્ર જાહેર કર્યો હતો.
નોંધીનીય છે કે, મધ્યપ્રદેશમાં ગત ૧૫ વર્ષથી ભાજપની સરકાર છે. આ વર્ષના અંતમાં થનાર વિધાનસભા ચૂંટણીઓને લઈ કોંગ્રેસ ખૂબ જ ઉત્સાહી છે કારણ કે, એવું લાગે છે કે, શિવરાજસિંહ ચૌહાણ સરકારની વિરૂદ્ધ વધારે પ્રમાણમાં એન્ટી ઈન્કમ્બેસી ફેક્ટરને કારણે કોંગ્રેસનો વનવાસ પૂરો થઈ શકે છે.