(એજન્સી) તા.૩૧
ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન, એક બિનસરકારી સંસ્થાએ માહિતી પ્રસારણ વિભાગને વિનંતી કરી છે કે, એમણે સોશિયલ મીડિયા ઉપર નિગરાની રાખવા, માહિતીનું પૃથક્કરણ કરવા જે ટેન્ડર બહાર પાડ્યું છે એ ટેન્ડર પાછું ખેંચવું જોઈએ. જો એ પાછું નહીં ખેંચવામાં આવશે તો કાયદાકીય વિસંગતતાઓ અને ગૂંંચવાડાઓનો સામનો કરવો પડશે. ટેન્ડર ૩૧મી મે સુધી ખુલ્લું છે. સરકારે સોશિયલ મીડિયાની સમગ્ર માહિતીના પૃથક્કરણ માટે સાધનો વિકસાવવા એજન્સીને કાર્ય સોંપવા વિચાર્યું હતું અને એના માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. સરકારનો દાવો છે કે, એના દ્વારા સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મો ટ્‌વીટર, યુ-ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને બ્લોગની ડેટાનું પૃથક્કરણ કરશે અને એમાંથી સકારાત્મક તત્ત્વો જુદા તારવી એમને પ્રોત્સાહન આપવામાં આવશે અને નકારાત્મક લાગણીઓ ફેલાવતા અટકાવવામાં આવશે. આ સાધનોમાં ઈ-મેઈલને પણ આવરી લેવાની યોજના સરકારની છે. ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશને આ પ્રોજેક્ટને ગેરકાયદેસર, ગેરબંધારણીય અને ગોપનિયતાના અધિકારનો ભંગ ઠરાવ્યો છે. ટેન્ડરમાં સ્પષ્ટ જણાવેલ છે કે, સોશિયલ મીડિયા ઉપર નિગરાની રાખવામાં આવશે. ફાઉન્ડેશને દાવો કર્યો છે કે, લોકોના વિચારો કોઈ ખાનગી સંસ્થા કઈ રીતે સમજી શકશે અને કઈ રીતે એને રાષ્ટ્રવાદમાં ફેરવી શકશે. સરકારનો આ ખ્યાલ તરંગી છે અથવા એ આડકતરી રીતે લોકોની જાસૂસી કરવા ઈચ્છે છે જેથી પોતાના લાભ માટે ડેટાનો ઉપયોગ કરી શકે. જે રીતે બ્રિટેનની કેમ્બ્રિજ એનાલીટિકાએ કર્યું હતું. આશ્ચર્યની વાત છે કે, કેમ્બ્રિજ એનાલીટિકાનો મસમોટો કૌભાંડ પકડાયા છતાં સરકાર એ બાબત કઈ રીતે વિચારી શકે છે.