(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૧૬
કર્ણાટકમાં નવા ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે, ભાજપે તેમને યેદિયુરપ્પા સરકારમાં આવવા માટે નાણાં અને મંત્રીપદ માટે ઓફર કરવા ફોન કર્યા છે. કર્ણાટકમાં કોઇને બહુમતી ન મળતા ભાજપને સત્તાથી દૂર રાખવા માટે બીજા નંબરે હોવા છતાં કોંગ્રેસે ત્રીજા નંબરના જેડીએસના ઉમેદવારને મુખ્યમંત્રી પદની ઓફર કરતા રાજ્યમાં હાઇવોલ્ટેજ રાજકીય ડ્રામા શરૂ થઇ ગયો છે. બંને પક્ષો તરફથી રાજ્યપાલ વજુભાઇ વાળાને સરકાર રચવા માટે દાવા કરવામાં આવ્યા છે અને હવે તેમના પર આધાર છે કે, તેઓ ભાજપ કે પછી જેડીએસને સરકાર રચવા માટે આમંત્રણ આપે.
જેડીએસના કુમારસ્વામી અને ભાજપના યેદિયુરપ્પા બંનેએ મંગળવારે સરકાર રચવાના દાવા કર્યા હતા. દરમિયાન કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું હતું કે,રાજ્યપાલ કોઇની તરફેણ ના કરી શકે. સૌથી મોટા પક્ષ પાસે બહુમતી નથી. ભાજપ પાસે ૧૦૪ જ્યારે કોંગ્રેસ અને જેડીએસની મળીને ૧૧૭ બેઠકો છે. રાજ્યપાલ પક્ષપાતી ના હોઇ શકે. શું બંધારણને બચાવવા રાજભવનમાં બેસેલી વ્યક્તિ જ તેને નષ્ટ કરી દેશે ? એક રાજ્યપાલે પોતાના જુના તમામ સંબંધો સમાપ્ત કરી દેવા પડે છે. પછી તે ભાજપ હોય કે પછી આરએસએસ હોય. કોંગ્રેસે દાવો કર્યો છે કે, ભાજપે તેમના ધારાસભ્યો સાથે સોદાબાજી કરવા માટે ફોન કર્યા હતા અને મંત્રીપદની લાલચ આપી હતી. ભાજપના ઉમેદવારને ૧૮૦૦૦ મતોથી હરાવનારા કોંગ્રેસના ઉમેદવાર આમેગૌડા લિંગાનાગૌડા પાટિલ બય્યાપુરે દાવો કર્યો હતો કે, ભાજપના નેતાઓનો મને ફોન આવ્યો હતો. તેઓએ કહ્યું કે, અમારી સાથે આવો અને મંત્રી પદ મેળવો અમે તમને મંત્રી બનાવીશું. સિદ્ધારમૈયા સરકારમાં ગૃહમંત્રી રામલિંગા રેડ્ડીએ કહ્યું હતું કે, યેદિયુરપ્પાને સમર્થન આપવા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના ભાજપ તમામ પ્રયાસો કરી રહ્યો છે. જોકે, અમને અમારા ધારાસભ્યો પર વિશ્વાસ છે.