(એજન્સી) અંકારા, તા.૧૫
તુર્કીના પ્રમુખ એર્દોગને જણાવ્યું કે, અમેરિકી પેટ્રિયટ્‌સ મેળવવા માટે તુર્કી રશિયાની એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ્સ મેળવવાનું પડતું મૂકશે નહીં. એર્દોગને તેમનો દેશ પેટ્રિયટ્‌સ પણ ખરીદી શકતો હોવાની બાબત પર ભાર આપ્યો છે. વોશિંગ્ટનથી અંકારા જતી વખતે રજબ તૈયબ એર્દોગને પત્રકારોને એવું પણ કહ્યું કે, અમેરિકી પેટ્રિયટ્‌સ ખરીદવા માટે રશિયન એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ્સ સંપૂર્ણ પણે જતી કરવાનો કોઇ પ્રશ્ન જ નથી. તેમણે એવું પણ કહ્યું કે અમે પેટ્રિયટ્‌સ પણ ખરીદી શકીએ છીએ અને અમે રશિયા પાસેથી એસ-૪૦૦ પણ ખરીદીશું. એર્દોગને એવું પણ કહ્યું કે, તુર્કી અમેરિકી પેટ્રિયટ્‌સ પણ ખરીદી શકે છે પરંતુ અમે માત્ર પેટ્રિયટ્‌સ ખરીદવાની ઓફરો અંગે વિચારણા કરીએ છીએ અને રશિયન એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ્સની ખરીદી સંપૂર્ણપણે પડતી મૂકવાની બાબત અમારા સાર્વભૌમત્વ અધિકારોમાં હસ્તક્ષેપ હશે. તુર્કીની રશિયા પાસેથી તેની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ્સની ખરીદીથી ટ્રમ્પ વહીવટીતંત્રે જુલાઇમાં પાંચમી પેઢીના એફ-૩૫ જોઇન્ટ સ્ટ્રાઇક ફાઇટર પ્રોગ્રામમાંથી તુર્કીને દૂર કરવાનું નક્કી કર્યું હતું. એર્દોગને જણાવ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દ્વિપક્ષીય સંબંધોમાં રાષ્ટ્રીય હિત અને પરસ્પર આદર પર આધારિત મુદ્દાઓના ઉકેલ શોધવામાં નિષ્ઠાપૂર્વક પ્રયાસો કર્યા છે. તેમણે એવું પણ કહ્યું કે, તુર્કી અમેરિકા અને રશિયા એમ બંને સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખવા માગે છે.