અમદાવાદ, તા.ર૪
આજના વેપારીના ત્યાં ગેરકાયદેસર દરોડા પાડવા ગયેલા અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના પીએસઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે ગેરકાયદે દરોડા પાડવા જતાં પોલીસ કર્મીઓના ફફડાટ ફેલાયો છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવતાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઈ) અને બે કોન્સ્ટેબલને એસઓજીના ઉચ્ચ અધિકારીએ ગેરકાયદેસર દરોડા પાડવાના મામલે સસ્પેન્ડ કર્યા છે. આ ત્રણ પોલોસકર્મીઓ રખિયાલમાં એક અનાજના વેપારીના ત્યાં નારકોટિક્સની બાતમીના આધારે દરોડા કરવા ગયા હતા. સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કર્યા વગર અને સર્ચ વોરંટ વગર દરોડા કરવા ગયા હોવાથી તમામને સસ્પેન્ડ કરાયા હોવાનું અધિકારીઓનું કહેવું છે. જો કે, આ ત્રણે લોકોએ તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા પણ ચાલી છે. એસઓજી ફરજ બજાવતાં પી.એસ.આઈ. બી.ડી. ભટ્ટ અને તેમના બે કોન્સ્ટેબલ ભરતભાઇ અને યોગેશભાઈ તારીખ ૧૯મી સપ્ટેમ્બરના રોજ રખિયાલમાં એક સરકારી અનાજની દુકાનમાં ગયા હતા. દરોડાના નામે તેમણે દુકાનમાં અનાજ ક્યાંથી લાવ્યા તે બાબતે પૂછતાં વેપારીએ બિલો રજૂ કર્યા હતા. નિયમ મુજબ એસ.ઓ.જી.એ નારકોટિક્સને લગતી કામગીરી કરવાની હોય છે અને દરોડ કરતા પહેલાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી અને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવાની હોય છે. આ નિયમો નહીં પાળી પીએસઆઈએ ગેરકાયદે દરોડા કર્યા હોવાથી તેમને બે કોન્સ્ટેબલ સાથે સસ્પેન્ડ કર્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
અમદાવાદમાં ગેરકાયદે દરોડા પાડવા ગયેલા SOGના ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ

Recent Comments