(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સુનાવણી કરી રહેલા સીબીઆઈ જજ બીએચ લોયાના મૃત્યુથી સંબંધિત કેટલાક તથ્યો કારવાના અહેવાલોમાં છપાયા બાદ રાજનીતિ માહોલ ગરમાયું છે. ગત સપ્તાહ લોહાની બહેન અને પિતા સાથેની વાતચીત બાદ એક અહેવાલએ બૃજમોહન લોયાનું મૃત્યુ શંકાસ્પદ અને તેને કવર-અપ કરવાના પ્રયત્નો થઈ રહ્યા હોવાનો દાવો કર્યો છે. આ મામલે દિલ્હીના મુખ્યમંત્ત્રી કેજરીવાલ, સીપીએમ અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ એ.પી.શાહ દ્વારા તપાસની માગણી કરવામાં આવી છે. રેકોર્ડ મુજબ ૪૮ વર્ષીય સીબીઆઈ જજ લોયાનું ૧લી ડિસે. ર૦૧૪ના રોજ નાગપુરમાં હાર્ટએટેકના કારણે મૃત્યુ નિપજ્યું. એ પહેલાં જસ્ટિસ લોયા પોતાના સાથી જજ સ્વપ્ના જોશીની દીકરીના લગ્નમાં સામેલ હતા. ત્યારબાદ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું. જેમાં હોસ્પિટલના રેકોડ્‌સ નાગપુર, લાતુર અને મુંબઈના સાક્ષીઓ અને પરિવાર સિવાય હોસ્પિટલમાં જજ લોયાનો ઈલાજ કરી રહેલા ડૉક્ટરો, પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી. ઈન્ડિયન એક્સપ્રેસએ જજ લોયા સાથે હોસ્પિટલમાં ઉપસ્થિત બે સીટિંગ સાથી જજ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. ઈન્ડિયન એક્સપ્રેસની તપાસમાં જાણવા મળ્યું કે, કારવા મેગેજીન દ્વારા કરાયેલા દાવાઓની સત્તાવાર રેકોર્ડ પણ પુષ્ટિ કરતાં નથી. હોસ્પિટલમાં જજ લોયાની મૃત્યુ સમયે હાજર મુંબઈ હાઈકોર્ટના બે જજ જસ્ટિસ ભૂષણ ગવઈ અને જસ્ટિસ સુનિલ શુક્રે ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ત્યાં એવું કશું જ નહોતું કે, જેના માટે એમનાં મોતના કારણ અંગે શંકા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ લોયા એ વખતે ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સુનાવણી કરી રહ્યા હતા. જેમાં ભાજપના અમિત શાહ આરોપી હતા બાદમાં અદાલતે અમિત શાહને નિર્દોષ મુક્ત કર્યા હતા. સીબીઆઈએ અમિત શાહને અદાલતે મુક્ત કરવા પર અત્યાર સુધી કોઈ અરજી કરી નથી. ૩૦મી નવે.ર૦૧૪ના રોજ જજ લોયા સ્વપ્ના જોશીની પુત્રીના લગ્ન માટે રવિભવન ગેસ્ટહાઉસમાં સાથી જજ શ્રીધર કુલકર્ણી અને શ્રીરામ મધુસુદન મોડકે સાથે રોકાયા હતા. ૧લી ડિસેમ્બરે સવારે ૪ વાગે એમને છાતીમાં દુઃખાવાની ફરિયાદ થઈ હતી. સ્થાનિક જજ વિજયકુમાર બર્દે અને એ સમયના હાઈકોર્ટના નાગપુર બેચના ડેપ્યુ. રજિસ્ટ્રાર રૂપેશ રાઠી જજ લોયાને સૌથી પહેલાં દાંડે હોસ્પિટલ પોતાની કારમાં લઈ ગયા હતા. જસ્ટિસ શુક્રે. જણાવ્યું કે, કારવાં રિપોર્ટમાં બતાવાયું છે તે મુજબ જસ્ટિસ લોયાને ઓટો રિક્ષામાં લઈ જવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જસ્ટિસ ગવઈએ જણાવ્યું કે, મને હાઈકોર્ટના રજિસ્ટ્રારએ ફોન કર્યો હતો. હું સાથી જજ શુક્રે સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. અન્ય બીજા જજો પણ પહોંચ્યા જેમાં ચીફ જસ્ટિસ મોહન શાહ પણ સામેલ હતા પરંતુ એમને બચાવી શકાયા નહીં. આ મામલે ન તો એમની મોતને અને ન તો ઘટનાઓને લઈને કોઈ શંકા છે.