(એજન્સી) મુંબઈ, તા.૧૪
સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિના કહેવાતા બનાવટી એન્કાઉન્ટર કેસમાં આજે બે સાક્ષીઓએ જુબાની આપી હતી. એ જુબાની પ્રજાપતિની અમદાવાદની મુલાકાતને લગતી હતી. જે રપમી નવેમ્બર ર૦૦૬ના રોજે કરાઈ હતી. પ્રથમ સાક્ષી ઉદેપુર રેલવે સ્ટેશનમાં બુકિંગ ક્લર્ક છે. એમણે કોર્ટ સમક્ષ કહ્યું કે રપમી નવેમ્બર ર૦૦૬ના રોજ એમની સમક્ષ વોરંટ રજૂ કરાયો હતો જેની સામે એમણે ટિકિટો આપી હતી. એમણે કહ્યું કે મેં ચાર પોલીસો અને બે કાચા કામના કેદીઓ માટે ઉદેપુરથી અમદાવાદ જવા ટિકિટો આપી હતી.
એમને વોરંટની કોપી બતાવવામાં આવી. જે સાક્ષીએ ઓળખી કાઢી હતી. એમણે કહ્યું કે મેં ટિકિટો સબ ઈન્સ્પેક્ટર નારાયણ સિંઘ અને કોન્સ્ટેબલો યુધવીર સિંઘ, કરતાર સિંઘ અને દલપતસિંઘના નામે આપી હતી. સીબીઆઈએ આક્ષેપો કર્યા કે ચારમાંથી ત્રણ પોલીસો જે હાલ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે એ એસ્કોર્ટ ટીમના સભ્ય હતા. જે ટીમ આરોપીઓને અમદાવાદ લાવી હતી. દલપતસિંઘને ર૦૧૭માં ડિસ્ચાર્જ કરાયા હતા.
બુકિંગ ક્લાર્કે કોર્ટને જણાવ્યું હતું કે, મારી ફરજ ફક્ત ટિકટ આપવાની છે અને મને ખબર નથી કે ખરી રીતે મુસાફરી કરાઈ હતી કે કેમ. એમણે આરોપીઓના નામો પ્રજાપતિ અને મોહમ્મદ અઝામ તરીકે ઓળખી કઢાયા હતા. જેમને ટિકિટો આપી હતી.
બીજા સાક્ષી જે તે વખતના સાબરમતી જેલના જેલર છે. એમને જેલ રજિસ્ટર બતાવવામાં આવ્યું. તે જોતા એમણે કહ્યું કે, એમાં કેદી તુલસીરામ પ્રજાપતિનું નામ છે. જેને જેલમાં રપ, ર૬ નવેમ્બર ર૦૦૬ના રોજ સાંજે પ.૪૦ વાગે લાવવામાં આવ્યું હતું.
રજિસ્ટરમાં બતાવેલ હતું કે, એ કેદીને ર૬મી નવેમ્બરે રાત્રે ૯-૧૦ વાગે જેલમાંથી બહાર લઈ જવાયો હતો જેને લઈ જનાર નારાયણસિંઘ હતા. સાક્ષીએ જણાવ્યું કે, કેદીને ઉદયપુરથી સેન્ટ્રલ જેલમાં લઈ જવાતો હતો.
સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર કેસ : રેલવે બુકિંગ કલાર્ક, જેલરે સાક્ષીઓ તરીકે જુબાની આપી

Recent Comments