(એજન્સી) મુંબઈ, તા.ર૬
સીબીઆઈએ આ પહેલાં કોર્ટને કહ્યું કે, સાહેદ રાજસ્થાનના અમુક કેસોમાં આરોપી છે અને વોન્ટેડ છે. એ મળી આવતો નથી. એમણે કોર્ટ સમક્ષ જુબાની આપવાની હતી. એક મુખ્ય સાક્ષીએ પોતાની પત્ની દ્વારા કોર્ટને પત્ર મોકલ્યો છે. એમાં દાવો કર્યો છે કે, એમની ઉપર દબાણો ઊભા કરવામાં આવ્યા હતા અને એમના જીવને પણ જોખમ છે. ફરિયાદ પક્ષના આ સાક્ષી હમીદ લાલા હત્યા કેસમાં આરોપી પણ છે. એ સોહરાબુદ્દીનનો મિત્ર હતો અને પ્રજાપતિ સાથે જેલમાં ભેગો હતો. સીબીઆઈએ આ વ્યક્તિને પહેલાં સમન્સ મોકલાયું હતું પણ એ મળી આવતો નથી. સોમવારે એમની પત્ની કોર્ટમાં જુબાની આપવા આવી હતી. એ પણ ફરીયાદ પક્ષની સાક્ષી છે. પોતાની જુબાની આપ્યા પછી એમણે કોર્ટને એક પત્ર આપ્યું હતું અને કહ્યું કે આ પત્ર મારા પતિએ આપ્યો છે. એમણે કહ્યું કે મારા પતિને કોર્ટમાં જુબાની નહીં આપવા દબાણો કરવામાં આવી રહ્યા છે અને ધમકીઓ અપાઈ રહી છે. એમણે વધુમાં કહ્યું કે પોલીસે મારા પતિ સામે પાંચ ખોટા કેસો નોંધ્યા છે જેથી એની ઉપર દબાણ થાય અને કોર્ટમાં જુબાની આપવા નહીં આવે. એ જુબાની આપવા ઈચ્છે છે પણ એને સુરક્ષાની ખાત્રી જોઈએ. એમણે કોર્ટને સુરક્ષા પૂરી પાડવા વિનંતી કરી. સાક્ષીએ કોર્ટને લખેલ પત્રમાં લખ્યું છે કે હું એન્કાઉન્ટરોની ખરી હકીકતોની માહિતી ધરાવું છું. પણ મારું એન્કાઉન્ટર થઈ જશે એ મને ભય છે અથવા મને ખોટી રીતે કેસોમાં સંડોવી દેવામાં આવશે. આ જ કારણથી કોર્ટમાં નથી આવતો. આ પહેલાં પ્રજાપતિ તરફે હાજર રહેલ રાજસ્થાનના વકીલે પણ પોતાના જીવને જોખમ હોવાનું જણાવી સુરક્ષાની માગણી કરી હતી. કોર્ટે પોલીસને સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું હતું.