(એજન્સી) મુંબઇ, તા. ૨૮
સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિના બનાવટી એન્કાઉન્ટર્સમાં ઉદયપુરની કલેક્ટર કચેરીના એક અધિકારીએ ૨૦૦૬માં ઉદયપુર જેલમાં પ્રજાપતિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો પ્રજાપતિનો પત્ર હાથ ધર્યો હોવાનો ઇનકાર કર્યો છે. સીબીઆઇના ખાસ સરકારી વકીલ દ્વારા ફરિયાદ પક્ષના સાક્ષીને હોસ્ટાઇલ જાહેર કરાયો છે. અત્યાર સુધી જુબાની આપનારા ૭૮ સાક્ષીઓમાંથી ૫૩ હોસ્ટાઇલ થઇ ગયા છે. શુક્રવારે સાક્ષીએ કોર્ટને જણાવ્યું કે ૨૦૦૫-૦૬માં ઉદયપુરની કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં તે જુનિયર ક્લાર્ક હતો. સાક્ષીએ ઉમેર્યું કે ૩૨ વિષયોની અરજીઓ તેણે હાથ ધરવાની હતી. આ અરજીઓ તે સંબંધિત વિભાગન આગળ મોકલતો હતો.
તેણે મળેલી અરજીઓમાં કેદીઓના પેરોલ, ફટાકડાના લાઇસન્સ માટે મંજૂરી અથવા જાહેર સ્થળોએ કાર્યક્રમો યોજાવા સાથે સંબંધિત અરજીઓનો સમાવેશ થાય છે. પોલીસના દુરવ્યવહારની અરજીઓ મને મળી નથી, એમ અધિકારીએ કોર્ટને જણાવ્યું. ૨૦૧૧માં સીબીઆઇને આપેલા પોતાના નિવેદનમાં તેણે કહ્યું હતું કે ઉદયપુરની જેલમાંથી મોકલવામાં આવેલો ૨૦૦૬ની ૧૧મી મે ની તારીખવાળો એક પત્ર તેને મળ્યો હતો. આ પત્ર પ્રજાપતિ અને તેના બે સાથીઓ દ્વારા મોકલવામાં આવ્યો હતો. પત્રમાં તેઓએ ફરિયાદ કરી હતી કે જેલના સત્તાવાળાઓ દ્વારા તેમને ભારે મારમારવામાં આવ્યો છે અને જેલામાં તેમની સુરક્ષા માટે તેઓ અરજ કરી હતી. ૨૦૧૧માં અધિકારીએ સીબીઆઇ કોર્ટને વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ પત્ર તેમણે ઉદયપુરના પોલીસ અધીક્ષકને મોકલી દીધો હતો.
શુક્રવારે પોતાની જુબાની દરમિયાન સાક્ષીએ કોર્ટને જણાવ્યું કે ૨૦૦૬માં કોણ કલેક્ટર હતા, તેમને તેઓ જાણતા નથી. તેમણે એવું પણ જણાવ્યું કે તેમણે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ્‌સ (એડીએમએસ)ને જાણ કરી હતી કે તે માત્ર તેમના નામો ફરી એકત્રિત કરી શકશે. અગાઉના પોતાના નિવેદનમાં તેમણે એડીએમએસ દ્વારા પ્રમાણિત કરાવ્યા બાદ પત્ર આગળ મોકલી દીધો હોવાનો દાવો કર્યો હતો, જ્યારે ગુરુવારે તેમણે કોર્ટને જણાવ્યું કે તેમણે પત્ર જોયો નથી.
સીબીઆઇ તપાસના સંદર્ભમાં સીબીઆઇના વકીલ બીપી રાજુ દ્વારા પૂછવામાં આવતા સાક્ષીએ કોર્ટને જણાવ્યું કે માત્ર તેનું નામ, વય અને સરનામા નોંધવામાં આવ્યા હતા. સાક્ષીએ તે વખતે સીબીઆઇને પત્રની કોપીઓ આપી હોવાનો પણ ઇનકાર કર્યો છે. બે પાનાનો પત્ર પ્રજાપતિ અને જેલમાં તેના બે સાથી કેદીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે જેલના સત્તાવાળાઓએ ૨૦૦૬ની ૨૫મી માર્ચે તેમને માર માર્યો હતો. પત્રમાં એવો દાવો કરાયો હતો કે આ તેમને મારી નાખવાનું કાવતરું છે.
સીબીઆઇના જણાવ્યા મુજબ પ્રજાપતિએ જેલમાં તેના સાથીઓને એમ કહ્યું હોવાનું કહેવામાં આવે છે કે પોલીસવાળાઓ દ્વારા તેમને માર મારવાની બાબત એક ચેતવણી છે. નવેમ્બર ૨૦૦૫માં સોહરાબુદ્દીને અને તેની પત્ની કૌસરબીના અપહરણ વિશે તે કંઇ બોલે એવું પોલીસ ઇચ્છતી નથી. સોહરાબુદ્દીન અને તેની પત્નીના અપહરણની ઘટનાનો પ્રજાપતિ એક સાક્ષી હતો. અત્યાર સુધી જેલમાંના પ્રજાપતિના બે સાથીઓમાંથી એકે જુબાની આપી છે અને જેલમાં તેમને માર મારવાની બાબત એક ચેતવણી હોવાનું પ્રજાપતિએ તેમને કહ્યું હોવાનો ઇનકાર કર્યો છે. પ્રજાપતિનો અન્ય સાથી ફોજદારી કેસોમાં હાલમાં વોન્ટેડ છે અને ભાગેડુ હોવાથી કોર્ટમાં હાજર થવા માટે તેને સમન્ય જારી કરાયું નથી.

સોહરાબ કેસ : હવે ૭૮માંથી ૫૩ સાક્ષીઓને હોસ્ટાઇલ જાહેર કરાયા
(એજન્સી) મુંબઇ, તા. ૨૮
સોહરાબુદ્દીને શેખ અને તુલસીરામ પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટર કેસમાં જુબાની આપનાર ૭૮મા સાક્ષી ઉદયપુરના જુનિયર ક્લાર્કે સીબીઆઇને અગાઉ આપેલું નિવેદન નકારી કાઢ્યા બાદ શુક્રવારે તેને હોસ્ટાઇલ જાહેર કરાયો છે.
આ કેસમાં હોસ્ટાઇલ થનાર તે ૫૩મો સાક્ષી છે
સીબીઆઇના નિવેદનમાં એવું વંચાય છે કે સાક્ષી ઉદયપુરની કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાં જુનિયર ક્લાર્ક તરીકે કામ કરતો હતો. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૦૬ની ૧૧મી મે ની તારીખવાળી એક હિન્દીમાં ટાઇપ કરેલી અરજી ૨૦૦૬ની ૧૬મી મે એ મળી હતી. આ અરજી પર હસ્તાક્ષર ના હતા અને કલેક્ટરને સંબોધીને લખાઇ હતી. ઉદયપુર સેન્ટ્રલ જેલમાંથી પોસ્ટ કરાયેલી અરજી કલેક્ટરે ઓફિસ મળી હતી. પત્રમાં હામિદ લાલ મર્ડર કેસમાં કસ્ટડીમાં રખાયેલા તુલસીરામ અને તેનો સહઆરોપીએ એવો આક્ષેપ કર્યો કે જેલમાં તેમના અને સાથી કેદીઓ પર ૨૦૦૬ની ૨૫મી માર્ચે હુમલો કરાયો હતો. તેઓએ જેલમાં તેમની સુરક્ષાની ખાતરી કરવાની વિનંતી કરી હતી. સાક્ષીનું નિવેદન એવું વંચાય છે કે આ પત્ર મળ્યા બાદ ડીએસપીને મોકલી દેવાયો હતો.