(એજન્સી) મુંબઈ, તા.ર૦
સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસના મુખ્ય તપાસ અધિકારીએ વિશેષ અદાલતમાં રર આરોપીઓ બાબતે જણાવ્યું કે, એમને હત્યા કરવાનું કોઈ કારણ ન હતું. ર૦૧૦માં આ કેસની તપાસ કરનાર સીબીઆઈ અધિકારી અમિતાભ ઠાકુરે છોડી મૂકાયેલ આરોપીઓ અમિત શાહ, રાજકુમાર પંડ્યા, ડી.જી. વણઝારા, દિનેશ એમ.એન અને પોલીસ અધિકારી અભય ચુડાસમાના નામ લીધા હતા. એમણે કહ્યું કે, મારી ચાર્જશીટ મુજબ આ પાંચેયને કથિત હત્યા દ્વારા રાજકીય અને આર્થિક લાભ મળ્યો હતો. જો કે એ માટેના એમની પાસે પુરાવાઓ નથી. ઠાકુરને બચાવ પક્ષના વકીલોએ ૬ કલાક સુધી સવાલો પૂછ્યા હતા. રર આરોપીઓમાંથી ર૧ આરોપીઓ પોલીસકર્મીઓ છે. રાજસ્થાન પોલીસના ઈન્સ્પેક્ટર અબ્દુલરહેમાનના વકીલ વહાબખાનના એક પ્રશ્નના જવાબમાં ઠાકુરે કહ્યું કે, મારા દ્વારા દાખલ થયેલ ચાર્જશીટ મુજબ એન્કાઉન્ટરના બે કારણો હતા. રાજકીય અને આર્થિક. મારી સમક્ષ હાજર રહેલ કોઈ પણ આરોપીને કથિત હત્યા બદલ કોઈ રાજકીય અથવા આર્થિક લાભ મળ્યો ન હતો. ઠાકુરે કોર્ટને કહ્યું કે, ર૧ આરોપીઓએ પોતાની ફરજ મુજબ કામગીરી કરી હતી જેમાં એમનો કોઈ અંગત ઉદ્દેશ્ય ન હતો. આ બધા આરોપીઓ ફરજ પર હતા જ્યારે આ ગુનો બન્યો હતો. એ કહેવું યોગ્ય છે કે, બધા પોલીસોએ પોતાના વિભાગના વરિષ્ઠ અધિકારીઓના આદેશ મુજબ વર્તન કર્યું હતું. એમના વરિષ્ઠ અધિકારીઓએ પોતે નિર્દેશો આપ્યા અથવા પોતે ત્યાં હાજર રહી આદેશો આપ્યા. બધા કર્મચારીઓ પોતાના વડા અધિકારીઓના આદેશોનું પાલન કરવા ફરજ પર હાજર હતા. આ કેસમાં ૩૮ આરોપીઓ હતા. અમિત શાહ અને બધા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સમેત ૧૬ આરોપીઓને છોડી મૂકાયા છે. ઠાકુરને એ ચાર્જશીટ બતાવવામાં આવી જે એમણે તૈયાર કરી હતી. ઠાકુરે કહ્યું એ કહેવું યોગ્ય નથી કે મેં ક્યારેય પણ પુરાવા નાશ કર્યા, એની સાથે છેડછાડ કરી અથવા કોર્ટ સમક્ષ રજૂ નહીં કર્યા. મેં આ પાંચેય આરોપીઓને થયેલ રાજકીય અથવા નાણાકીય લાભના પુરાવાઓ નથી આપ્યા કારણ કે પુરાવાઓ મારી પાસે ન હતા. ઠાકુરે જે પાંચ વ્યક્તિઓના નામો જણાવ્યા એમને ર૦૧૪થી ર૦૧૭ દરમિયાન છોડી મૂકાયા છે. સીબીઆઈએ છોડી મૂકાયેલ આરોપીઓના ડિસ્ચાર્જને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જો કે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને જ માન્ય રાખ્યો હતો.