(એજન્સી) મુંબઈ, તા.ર૧
સોહરાબુદ્દીન શેખ, એમની પત્ની કૌસરબી અને મિત્ર તુલસીરામ પ્રજાપતિના બનાવટી એન્કાઉન્ટરના રર આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડી મૂકવા આદેશ કર્યો. કોર્ટે કહ્યું કે પુરાવાઓ અસંતોષજનક છે અને ષડયંત્ર પુરવાર થાય એ માટે પૂરતા પુરાવાઓ નથી કે આ એન્કાઉન્ટરો હત્યા હતી. સીબીઆઈએ જણાવ્યું કે આ હત્યાઓ ગુજરાત પોલીસ અધિકારીઓએ રાજકીય અને નાણાંકીય લાભ મેળવવા કરી હતી. સૌ પહેલા ૩૮ આરોપીઓ કેસોમાં હતા. જેમાંથી ૧૬ આરોપીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જેમાં ભાજપના અમિત શાહ પણ હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ હતા. ફરિયાદ પક્ષના ૯ર સાક્ષીઓને ફરી ગયેલ જાહેર કરવામાં આવ્યા હતા. જજ શર્માએ ફરી ગયેલ સાક્ષીઓનો ઉલ્લેખ કરતા કહ્યું હું લાચાર છું.
આ સમગ્ર ઘટનાક્રમના ૧૦ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ :
૧. જજે કહ્યું કે સરકારે અને ફરિયાદ પક્ષે ખૂબ જ મહેનત કરી હતી અને ર૧૦ સાક્ષીઓને રજૂ કર્યા હતા. પણ જો સાક્ષીઓ ફરી જાય તો એમાં ફરીયાદ પક્ષ શું કરી શકે.
ર. સોહરાબુદ્દીનના ભાઈ રૂબાબુદ્દીન શેખે કોર્ટના ચુકાદાનો વિરોધ કરતા કહ્યું કે અમે ચુકાદાને પડકારીશું.
૩. સોહરાબુદ્દીન શેખ, એની પત્ની કૌસરબી અને તુલસીરામ પ્રજાપતિને હૈદરાબાદથી સાંગલી જતી બસમાંથી બળજબરીથી ઉતારી લઈ જવાયા હતા. આ ઘટના રર નવેમ્બર ર૦૦પની હતી જેમાં ગુજરાત પોલીસ એમને લઈ ગઈ હતી.
૪. એના ચાર દિવસ પછી સોહરાબુદ્દીનની હત્યા પોલીસ દ્વારા અમદાવાદ નજીક કરાઈ હતી, એમણે દાવો કર્યો હતો કે એ લશ્કર-એ-તૈયબા સાથે મળી તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર ઘડી રહ્યો હતો. સીબીઆઈએ કહ્યું કે સોહરાબુદ્દીનની પત્ની કૌશરબી જે હત્યા પછી દેખાઈ ન હતી એમને અન્ય સ્થળે લઈ જવામાં આવી, એમના ઉપર બળાત્કાર કરાયા પછી ર૯મી નવેમ્બરે હત્યા કરાઈ હતી.
પ. એના એક વર્ષ પછી ર૭મી ડિસેમ્બર ર૦૦૬ના રોજ તુલસીરામ પ્રજાપતિને ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર ચાપરી પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી.
૬. પોલીસે દાવો કર્યો હતો કે તુલસીરામ પ્રજાપતિએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે એને અમદાવાદથી રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યો હતો એ સમયે ભાગવાનો પ્રયાસ કરતા એની હત્યા કરાઈ હતી.
૭. સોહરાબુદ્દીન કેસમાં ડિસ્ચાર્જ કરાયેલ પોલીસ અધિકારીઓમાં અભય ચુડાસમા, રાજસ્થનના પૂર્વ ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા, પોલીસ અધિકારી પી.સી. પાંડે અને ગીતા જોહરી હતા.
૮. ભાજપના અધ્યક્ષ અમિત શાહનું નામ પણ આરોપી તરીકે હતુ પણ એમને પણ ડિસ્ચાર્જ કરાયા હતા. કોર્ટે કહ્યું કે રાજકીય કારણો માટે એમને આરોપી બનાવાયા હતા.
૯. ટ્રાયલ દરમ્યાન સીબીઆઈના વકીલ બી.વી. રાજૂએ સ્વીકાર્યું હતું કે તપાસમાં ક્ષતિઓ હતી. સીબીઆઈને કેસની તપાસ પાંચ વર્ષે સોંપાઈ હતી. વધુમાં કેસની ટ્રાયલ ર૦૧રમાં અમદાવાદથી મુંબઈમાં ટ્રાન્સફર કરાઈ હતી જેના લીધે કેસ નબળો પડ્યો.
૧૦. ફરિયાદ પક્ષના એક સાક્ષી આઝમખાને દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીન અને તુલસીરામ ઘણા બધા મોટા ગુનાઓમાં સંડોવાયેલ હતા. જેમાં પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાનો ગુનો પણ સામેલ છે.

બનાવટી એન્કાઉન્ટર કેસો : સાક્ષીઓએ ફરિયાદ પક્ષ ઉપર ‘ગેરસંચાલન’ના આક્ષેપો કર્યા, ફરી તપાસવા માગણી કરી

(એજન્સી) તા.ર૧
સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટરના સાક્ષીઓએ સીબીઆઈ કોર્ટ સમક્ષ જણાવ્યું કે ફરિયાદ પક્ષે કેસનું ગેરસંચાલન કર્યું હતું. અમારી જુબાનીઓને રેકર્ડ ઉપર લાવવામાં જ આવી નથી જેથી અમારી માગણી છે કે અમને ફરીથી તપાસવામાં આવે.
ગુજરાતના ધંધાર્થી મહેન્દ્ર ઝાલા અને ઉદેપુરના ગેંગસ્ટર આઝમખાને જે સોહરાબુદ્દીનની ગેંગનો સાગરિત હતો એમણે દાવો કર્યો છે કે અમોએ સીઆરપીસીની કલમ-૧૬૪ હેઠળ આપેલ નિવેદનને ફરિયાદ પક્ષે રેકર્ડ ઉપર રજૂ કર્યો ન હતો. જેના દ્વારા મહત્ત્વપૂર્ણ હકીકતો સામે આવી શકી હોત.
ઝાલાએ પોતાના વકીલ દ્વારા કોર્ટને જણાવ્યું કે ર૦૧૦માં લેવાયેલ એમનું નિવેદન મહત્ત્વપૂર્ણ હતુ જેમાં ખંડણીના રેકેટ વિષે હકીકતો જણાવેલ હતી. જે રેકેટ ડિસ્ચાર્જ કરાયેલ પોલીસ અધિકારીઓ દ્વારા ચલાવાતો હતો. પોલીસ અધિકારીઓના કહેવાથી સોહરાબુદ્દીન ખંડણીનું કામકાજ કરતો હતો. ફરિયાદ પક્ષે આ હકીકતો રેકર્ડ ઉપર લાવી ન હતી. કારણ કે એ પોલીસ અધિકારીઓ ડીસ્ચાર્જ થઈ ગયા હતા. પણ કાયદામાં જોગવાઈ છે કે જો પૂરતા પુરાવાઓ મળી આવે તો ડિસ્ચાર્જ થયેલ આરોપીઓ સામે ફરીથી કેસ ચલાવી શકાય.
ઝાલાએ કહ્યું કે ફરિયાદ પક્ષનો કેસની રજૂઆત ગેરસંચાલન દેખાઈ આવ્યું હતું. ટ્રાયલ દરમ્યાન સંબંધિત મટીરીયલ અથવા જવાબો રેકર્ડ ઉપર મૂકવામાં આવ્યા ન હતા, જે કોર્ટ સુધારી શકી હોત.

બનાવટી એન્કાઉન્ટર કેસો : ફરિયાદ પક્ષે મેજિસ્ટ્રેટ સમક્ષ અપાયેલ સાક્ષીઓના સાત નિવેદનોને દર્શાવ્યા ન હતા

(એજન્સી) તા.ર૧
સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિના બનાવટી એન્કાઉન્ટર કેસોના બે મુખ્ય સાક્ષીઓએ જણાવ્યું હતું કે એમણે મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ-૧૬૪ હેઠળ આપેલ નિવેદનોને ફરિયાદ પક્ષે દર્શાવ્યું ન હતું જેથી એમની જુબાની ફરીથી લેવામાં આવે.
આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલા નિવેદનને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે અને એનો પુરાવાકીય મૂલ્ય પણ વધુ હોય છે.
ર૧૦ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ઓછામાં ઓછા ૭ સાક્ષીઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ-૧૬૪ હેઠળ નિવેદનો આપ્યા હતા.
આ સાક્ષીઓમાં મહેન્દ્ર ઝાલા, મોહમ્મદ આઝમખાન, સુધીર જોષી પણ હતા. સુધીર જોષી રાજસ્થાનના પોલીસ અધિકારી છે જેમણે રજી ઓગસ્ટે જુબાની આપી હતી. જોષીએ ટીમની આગેવાની લીધી હતી જેમણે તુલસીરામની ધરપકડ કરી હતી.
જોષીએ મેજિસ્ટ્રેટ સમક્ષ જણાવ્યું હતું કે એમણે તુલસીરામની ધરપકડ ર૬મી નવેમ્બરે કરી હતી નહીં કે ર૯મી નવેમ્બર.
અન્ય સાક્ષીઓમાં ગીરીશભાઈ પટેલ, દિનેશ ગુજ્જર, નગીનભાઈ બારોટ અને ગુલામ અહમદ હતા.

સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસ : મહત્ત્વના સાક્ષીઓની ફરીથી જુબાની લેવા માગણી

(એજન્સી) તા.૨૧
સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌશરબી અને તુલસી પ્રજાપતિની હત્યાના કહેવાતા નકલી એન્કાઉન્ટર કેસમાં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટ જ્યારે ચુકાદો આપનાર છે ત્યારે તેના બે દિવસ અગાઉ એક મુખ્ય સાક્ષીએ પોતાની પુનઃતપાસ કરવાની માગણી કરતી એક અરજી રજૂ કરી છે. સોહરાબુદ્દીન અને તુલસીરામના સાગરીત આઝમખાને ૧૯ ડિસે. સીબીઆઇ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે તેને સાક્ષી તરીકે અદાલતમાં ંહાજર થતાં પહેલા ૨૦ દિવસ સુધી તેને સતત ટોર્ચરનો સામનો કરવો પડ્યો હતો. ૨૨ પાનાની અરજીમાં આઝમખાને એવો દાવો કર્યો છે કે ધમકીઓ અને ટોર્ચરના કારણે તે ગયા મહિને અદાલત સમક્ષ પોતાની જુબાની દરમિયાન આઇપીએસ અધિકારી અને રાજકારણીઓના નામો આપતા તેને ડર લાગે છે. આઝમખાન એવો દાવો કરે છે કે તેની જુબાની અધૂરી રહી છે અને તેને સાક્ષી તરીકે બોલાવવો જોઇએ. તેને ફરીથી ધમકી ન મળે તે માટે સુરક્ષા સુનિશ્ચિત કરવા માગણી કરી છે. તેણેે ખાસ કરીને મુખ્ય આરોપી તરીકે રાજસ્થાનના પોલીસ અધિકારી અબ્દુલ રહેમાનનું નામ લીધું હતું કે જેણેે સોહરાબુદ્દીન તરફ ગોળી છોડી હતી. આઝમખાને પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેઓ હજુ એક નિવૃત્ત આઇપીએસ અધિકારીનું નામ આપી શકે તેમ છે પરંતુ આરોપી અબ્દુલ રહેમાન દ્વારા પોતાની જુબાનીના રોજ સવારે ધમકી આપવામાં આવી હતી. ૩ નવે.ના રોજ પોતાની જુબાની પહેલા ખાને એવો આક્ષેપ કર્યો હતો કે તેને દ.મુંબઇની એક હોટલમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને એસયુવી કારમાં લઇ જવાયો હતો કે જેમાં રહેમાન પહેલેથી જ બેઠો હતો. રહેંમાને તેને ધમકી આપી હતી અને તેની તરફેણમાં જુબાની આપવા જણાવ્યું હતું. જો તે જુબાની નહીં આપે તો ખાને રહેમાનનેે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ખાને એવો દાવો કર્યો હતો કે આ કેસમાં આરોપી તરીકે જેમનું નામ હતું એ અભય ચુડાસમાનું આ ધમકી પાછળ ભેજું કામ કરી ગયું હતું અને રહેમાને અભય ચુડાસમાના ઇશારે ધમકી આપી હતી એવું ખાને જણાવ્યું હતું. બીજા સાક્ષી પેટ્રોલ પંપના માલિક મહેન્દ્ર ઝાલાએ પણ પોતાની જુબાની ફરીથી લેવાનું જણાવ્યું હતું. તેમણે પણ આવા જ આક્ષેપો કર્યા હતા.