(એજન્સી) કોલકાતા, તા.૧૩
લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટરજીનું આજે સવારે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેઓ ૮૯ વર્ષના હતા. હાર્ટએટેક આવ્યા બાદ તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર તથા બે પુત્રીઓ છે. ચેટરજીને કીડની સંબંધિત બીમારી હતી. તેઓને સપ્તાહ પહેલાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમનાથ ચેટરજીના નિધન પર શોક વ્યક્ત કર્યું છે. સોમનાથ ચેટરજી વર્ષ ૧૯૬૮માં સીપીએમના સભ્ય બન્યા. જ્યોતિ બસુનો સોમનાથ ચેટરજી પર સ્નેહ બની રહ્યો હતો. સોમનાથ ચેટરજી માટે રાષ્ટ્રહિત સર્વોપરી રહ્યો. તેઓ પાર્ટીની રાજનીતિનો હિસ્સો હોવા છતાં પાર્ટીને પોતાના પર કયારેય હાવિ થવા દીધી ન હતી. તેઓ જ્યાં સુધી લોકસભા સ્પીકર રહ્યા. હંમેશા સંસદની ગરિમા બનાવી રાખવા પ્રયાસ કર્યો. સોમનાથ ચેટરજીનો જન્મ આસામના તેજપુરમાં રપ જુલાઈ ૧૯ર૯ના રોજ થયો હતો. તેઓ પ્રખ્યાત વકીલ અને હિન્દુ મહાસભાના સંસ્થાપક નિર્મલાચંદ્ર ચેટરજીના પુત્ર હતા. તેમનું શરૂઆતનું ભણતર કોલકાતા અને ઉચ્ચ શિક્ષણ બ્રિટનમાં થયું. શ્રમિક નેતા અને વકીલ સોમનાથ ચેટરજી પ્રભાવશાળી વકતા હતા. સોમનાથ ચેટરજી ૧૯૬૮માં માકપામાં સામેલ થયા. તેઓ વર્ષ ર૦૦૪થી ર૦૦૯ સુધી લોકસભા અધ્યક્ષ રહ્યા. યુપીએ-૧ શાસનકાળમાં તેમની પાર્ટી સીપીએમ તરફથી સરકારથી સમર્થન પાછું ખેંચ્યા બાદ તેઓને સ્પીકર પદ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. પણ તેઓએ એવું કરવાથી ઈન્કાર કર્યો જેના કારણે તેઓને પાર્ટીમાંથી કાઢી દેવામાં આવ્યા હતા. ચેટરજી સીપીઆઈએમના કેન્દ્રીય સમિતિના સભ્ય રહ્યા હતા. તેઓને પ્રકાર કરાતના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ એક સંસ્થાનના હતા અને પાર્ટી લાઈનથી હટીને બધા સાંસદોના મનમાં તેમના માટે અપાર સન્માન હતો. આ દુઃખના સમયે તેમના પરિવાર પ્રતિ મારી સંવેદનાઓ છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ચેટરજીએ આપણા સંસદીય લોકતંત્રને મજબૂત કર્યો. સાથે તેઓ ગરીબો અને અસહાયના સારા માટે અવાજ ઉઠાવતા હતા. તેમણે કહ્યું કે અમારી સંવેદનાઓ સોમનાથ ચેટરજીના પરિવાર અને સમર્થકોની સાથે છે. આ સાથે રામનાથ કોવિંદે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્‌વીટમાં લખ્યું કે સોમનાથ ચેટરજીના નિધનના સમાચાર સાંભળી દુઃખ થયું. દેશ અને બંગાળ માટે આ એક મોટી ખોટ છે. તેમના પરિવાર અને શુભચિંતકો પ્રતિ મારી સંવેદનાઓ છે.

સોમનાથ ચેટરજીના પરિવારે તેમના પાર્થિવ શરીરને લાલ ધ્વજમાં લપેટવાની સીપીએમની વિનંતી ફગાવી, પૂર્વ સ્પીકરને ર૦૦૮માં પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા

(એજન્સી) તા.૧૩
લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટરજીના પરિવારે તેમના મૃતદેહને લાલ ધ્વજમાં લપેટવાની અને સીપીઆઈ(એમ)ના પશ્ચિમ બંગાળ મુખ્યાલય પર અંતિમ દર્શન માટે લઈ જવા પરવાનગી આપવાની સીપીઆઈ(એમ)ની માગણીને ફગાવી દીધી હતી. સોમનાથ ચેટરજીની દીકરી અનુશિલા બાસુએ કહ્યું હતું કે, “પાર્ટીએ અમને વિનંતી કરી હતી કે, તે કાર્યકરોના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ શરીરને પાર્ટી મુખ્યાલય લઈ જવા ઈચ્છે છે અને મૃતદેહને લાલ ધ્વજમાં લપેટવા માંગે છે, પરંતુ અમે ના પાડી દીધી. ઉલ્લેખનીય છે કે, ર૩ જુલાઈ ર૦૦૮ના દિવસે સોમનાથ ચેટરજીને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. સીપીઆઈ(એમ)એ અમેરિકા સાથે થયેલા પરમાણુ-કરારના મુદ્દા પર યુપીએ-૧ને આપેલો ટેકો પાછો ખેંચ્યો હતો ત્યારે ચેટરજીને પણ લોકસભાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ચેટરજીએ રાજીનામું આપવાની ના પાડતા તેમને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

જ્યારે સંસદમાં રડી પડ્યા હતા સોમનાથ ચેટરજી….

વર્ષ ર૦૦૮માં જ્યારે યુપીએ-૧ના શાસનકાળમાં તાત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ સરકારે અમેરિકાની સાથે પરમાણુ કરાર કર્યો હતો ત્યારે સરકારને સમર્થન આપી રહેલા ડાબેરીઓએ આનો વિરોધ કર્યો હતો અને સરકારથી સમર્થન પાછો ખેંચી લીધો હતો. મનમોહનસિંહ સરકારની વિરૂદ્ધ પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ત્યારે સંસદના બન્ને દિવસો (ર૧ અને રર જુલાઈ ર૦૦૮)ના રોજ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યો હતો. એ સમયે સોમનાથ ચેટરજી ૧૪માં લોકસભા સ્પીકર હતા અને સીપીઆઈ(એમ)ના સાંસદ હતા. પાર્ટીએ તેઓને લોકસભા અધ્યક્ષ પદ છોડવા કહ્યું હતું પણ ચેટરજીએ પદ ન છોડયું. મનમોહનસિંહ સરકાર ૧૯ વોટના અંતરથી અવિશ્વાસ પ્રસ્તાવ જીતી ગઈ હતી પણ લોકસભા સ્પીકર સોમનાથ ચેટરજી પોતાની પાર્ટીમાં હારી ગાય હતા. બધા તેમના દુશ્મન બની ચૂકયા હતા. પાર્ટીએ તેઓને ર૩ જુલાઈના રોજ બહારનો રસ્તો દેખાડી દીધો. આ ઘટનાક્રમથી સોમનાથ ચેટરજી ખૂબ જ દુઃખી થઈ ગયા. તેઓએ રાજનીતિથી સન્યાસ લેવાની ઘોષણા કરી દીધી પણ પાર્ટીના સાંસદોના નિશાન પર હજી પણ હતા. મોટાભાગે લોકસભામાં પાર્ટીના સાંસદ તેમના પર નિશાન સાધતા અને તેમના આદેશોની અવગણના કરતા. સાંસદોની આ કાર્યવાહી સખ્ત વલણ ધરાવતા સોમનાથ ચેટરજી જેમને સંસદ સભ્ય સન્માનથી દાદા કહેતા હતા. તેઓ એટલા દુઃખી થઈ ગયા કે પોતાના આંસુ ન રોકી શકયા અને લોકસભામાં જ રડી પડયા હતા. ર૩ ઓકટોબર ર૦૦૮ના રોજ સોમનાથ ચેટરજીએ ખૂબ જ ભાવુક થઈને અશ્રુભીની આંખોથી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. જો કે, આ ચોથી ઘટના હતી જ્યારે પાર્ટીથી બહાર કર્યા બાદ સોમનાથ ચેટરજીનું દુઃખ બહાર આવ્યું હતું. ત્યારે ડાબેરી નેતાઓએ આરોપ લગાવ્યો કે દાદા લેફટને ટાર્ગેટ કરી રહ્યા છે.

સોમનાથ ચેટરજીના પ્રયાસોથી લોકસભા ટીવી શરૂ થયું

લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટરજી જ્યારે બોલતા હતા ત્યારે આખુ સદન એકાગ્રિત થઈને તેમને સાંંભળતું હતું. પોતાના રાજકીય કેરિયરમાં તેઓએ કામગાર વર્ગ તથા વંચિત લોકોના મુદ્દાઓને પ્રભાવી ઢંગથી ઉઠાવીને તેમના હિતો માટે ઊભા રહેવાનો કોઈપણ અવસર ગુમાવ્યો ન હતો. સોમનાથ ચેટરજીનું વાદ-વિવાદ કૌશલ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દોની સ્પષ્ટ સમજ, ભાષાની ઉપર પકડ અને જે નમ્રતાની સાથે તેઓ સદનમાં પોતાનો દ્રષ્ટિકોણ રાખતા હતા તેને સાંભળવા આખુ સદન એક ધ્યાન થઈ જતું હતું. લોકસભા અધ્યક્ષના રૂપમાં વ્યાપક મીડિયા કવરેજ પ્રદાન કરવાના હેતુ સોમનાથ ચેટરજીના પ્રયાસોથી ર૪ જુલાઈ ર૦૦૬થી ર૪ કલાક લોકસભા ટીવી શરૂ થયું હતું. તેમના લોકસભા અધ્યક્ષ પર રહેતા તેમની પહેલ પર ભારત લોકતાંત્રિક વિરાસત અત્યાધુનિક સંસદીય સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી. ૧૪ ઓગસ્ટ ર૦૦૬ના આ સંગ્રહાલયનું ઉદ્દઘાટન ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યું. આ સંગ્રહાલય જનતાના દર્શન માટે ખુલ્લો છે.

સોમનાથ ચેટરજી : દસ વખતના લોકસભાના સાંસદથી ભારતના પ્રથમ કોમ્યુનિસ્ટ સ્પીકર

પોતાના રાજકીય કેરિયરની શરૂઆત સોમનાથ ચેટરજીએ સીપીએમની સાથે ૧૯૬૮માં કરી અને તેઓ ર૦૦૮ સુધી આ પાર્ટીથી જોડાયેલ રહ્યા. ૧૯૭૧માં તેઓ પ્રથમ વાર સાંસદ ચૂંટાયા. ત્યારબાદ તેઓએ રાજનીતિમાં કયારેય પાછા વળીને ન જોયું. તેઓ દસ વખત લોકસભા સભ્યના રૂપમાં ચૂંટાઈ આવ્યા હતા. ૧૯૭૧થી લઈને તેઓએ બધી લોકસભાઓમાં એક સભ્ય તરીકે ચૂંટાઈને નિઃસ્વાર્થ સેવા કરી છે. વર્ષ ર૦૦૪માં ૧૪માં લોકસભામાં તેઓ દસમી વખત ચૂંટાયા. વર્ષ ૧૯૮૯થી ર૦૦૪થી તેઓ લોકસભામાં સીપીઆઈએમના નેતા પણ રહ્યા. તેઓએ ૩પ વર્ષો સુધી એક સાંસદના રૂપમાં દેશની સેવા કરી. તેઓને ૧૯૯૬માં ઉત્કૃષ્ટ સાંસદ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

લોકસભા પૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીના ૮૯ વર્ષની વયે નિધન પર રાજનેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી

(એજન્સી) કોલકાતા, તા.૧૩
સોમવારે સવારે કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં સોમનાથ ચેટરજીનું નિધન થયું હતું. લોકસભા પૂર્વ સ્પીકરના નિધન પર મોટા રાજનેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દસ વખત સાંસદ તરીકે ચૂંટાયેલા સોમનાથ ચેટરજી હાર્ટએટેક આવ્યા બાદ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. સોમનાથ ચેટરજીના નિધન બાદ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કોંગ્રેસ અધ્યક્ષ જેવા મોટા રાજનેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે ચેટરજીએ આપણા સંસદીય લોકતંત્રને મજબૂત કર્યો હતો. સાથે તેઓ ગરીબો અને અસહાયના કલ્યાણ માટે અવાજ ઉઠાવતા હતા. મારી સંવેદનાઓ સોમનાથ ચેટરજીના પરિવાર અને સમર્થકોની સાથે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમનાથ ચેટરજીના નિધન પર શોધ વ્યક્ત કર્યો છે. તેમણે ટ્‌વીટમાં લખ્યું કે સોમનાથ ચેટરજીના નિધનના સમાચાર સાંભળી દુઃખ થયું. દેશ અને બંગાળ માટે એક મોટી ખોટ છે. તેમના પરિવાર અને શુભચિંતકો પ્રતિ મારી સંવેદનાઓ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ એક સંસ્થાન હતા અને પાર્ટી લાઈનથી હટીને બધા સાંસદોના મનમાં તેમના માટે અપાર સન્માન હતું. આ દુઃખના સમયમાં તેમના પરિવાર પ્રતિ મારી સંવેદનાઓ છે. સીપીઆઈના જનરલ સેક્રેટરી સુરાવરમ સુધાકર રેડ્ડીએ કહ્યું કે ચેટરજી કોમ્યુનિસ્ટ મૂવમેન્ટ અને પ્રમાણિક નેતા હતા. જેઓ સરળ જીવન જીવ્યા. તેમના પિતા હિન્દુ મહાસભાના સ્થાપક હતા. તેઓ ખૂબ જ સારા સ્પીકર રહ્યા. લોકસભા પૂર્વ સ્પીકર મીરાકુમારે કહ્યું કે મને વિશ્વાસ નથી થતો કે તેઓ નથી રહ્યા મને ખબર છે. તેઓ બીમાર હતા પણ આવું થશે એવું નહોતું વિચાર્યું. મને એ વાતનો ગર્વ છે કે સ્પીકર તરીકે નિવૃત્ત થયા બાદ તેઓની ખુરશી પર મને બેસવા મળ્યું. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે તેમનું નિધન એક ખૂબ જ મોટું નુકસાન છે. સોમનાથ દા’ના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને ચાહકો પ્રતિ મારી સંવેદનાઓ. આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે તેમના વિશે ઘણી યાદગાર ક્ષણો છે કારણ કે અમે ખૂબ જ સૌહાર્દપૂર્ણ સંબંધ બનાવ્યા છે. લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનના સોમનાથ ચેટરજી વિશે વાત કરતાં કરતાં આંસુ આવી ગયા હતા. અશ્રુભીનિ આંખો સાથે તેમણે કહ્યું કે તેઓ મારા મોટા ભાઈ સમાન હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સોમનાથ ચેટરજીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. કેજરીવાલે કહ્યું કે, આ સમાચાર સાંભળી ખૂબ જ દુઃખી છું. તેઓને લોકસભાના મહાન સ્પીકરની યાદીમાં હંમેશા યાદ રાખવામાં આવશે.