નવી દિલ્હી,તા.ર૮
પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટરજીને સોમવારે હેમરેજીક એટેક (મગજનો તાવ) બાદ તેમની હાલત ગંભીર થતા કોલકાતાના બેલે વ્યુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલના સૂત્રો મુજબ આ એક મીડિયમ સાઈઝનો હેમરેજીક હુમલો હતો. જે સામાન્ય હોય છે પરંતુ ૮૯ વર્ષની ઉંમરના રોગી માટે જીવલેણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સોમનાથ ચેટરજી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ સભ્ય રહી ચૂક્યા છે. વર્ષ ર૦૦૪થી ર૦૦૯ સુધી તેઓ લોકસભાના સ્પીકર પદે રહ્યા. સોમનાથ ચેટરજીને વર્ષ ર૦૦૮માં એમની પાર્ટી CPI(M)માંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. સોમનાથ ચેટરજીએ એમની પાર્ટી દ્વારા યુપીએ સરકારમાંથી ટેકો પરત ખેંચ્યા બાદ પણ લોકસભા સ્પીકર પદથી રાજીનામુ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ પાર્ટીએ એમના વિરૂદ્ધ કાર્યવાહી કરીને CPIમાંથી બરતરફ કરી મૂક્યા હતા.
જણાવી દઈએ કે સોમવારે અચાનક સેરિબુલ હુમલો આવતા તેમને કોલકાતાની બેલી વ્યુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અગાઉ વર્ષ ર૦૧૪માં નાનો સેલીબ્રલ એટેક આવ્યો હતો પરંતુ ત્યારે તેઓ બિલકુલ સાજા થઈ ગયા હતા. ચેટરજી હાલમાં કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી.