(એજન્સી) જયપુર, તા. ૨૮
રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના સત્તામાં આવ્યા બાદ શાળાના શૈક્ષણિક પાઠ્યક્રમને લઇને નવો વિવાદ છેડાયો છે. રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રીએ ફરી એકવાર કોંગ્રેસને ૧૦મા ધોરણના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં સંઘ વિચારક વિનાયક દામોદર સાવરકરને ‘સન ઓફ પોર્ટુગલ’ ગણાવતા ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. જોકે, કોંગ્રેસ સરકારે આ ફેરફારને શિક્ષણવિદ્દો દ્વારા કરાયેલા ફેરફાર ગણાવ્યા છે. પૂર્વ શાળાકીય શિક્ષણ મંત્રી વાસુદેવ દેવનાનીએ જણાવ્યું હતું કે, રાજ્યની કોંગ્રેસ સરકારે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીથી પ્રેરણા લેવી જોઇએ જેમાં તેમણે સાવરકરને સાહસ અને દેશભક્તિના પ્રતીક, એક દેશભક્ત ક્રાંતિકારી અને અસંખ્ય લોકોના પ્રેરણા પુરૂષ ગણાવ્યા હતા.દેવનાનીએ આ અંગે પોતાના ટિ્વટર હેન્ડલ પર અનેક ટિ્વટ કર્યા હતા.
દેવનાનીએ ટિ્વટમાં લખ્યું હતું કે, વીર સાવરકરના વીર હોવા સામે પ્રશ્ન લગાવનારી કોંગ્રેસ સરકારે પોતાના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો ઇતિહાસ વાંચવો જોઇએ. ઇન્દિરા ગાંધીએ ૧૯૭૦માં તેમના નામે ટપાલ ટિકિટ જારી કરીને સ્વતંત્રતા આંદોલનમાં તેમના યોગદાન અને દેશભક્તિની પ્રશંસા કરી હતી. સાવરકરના મુંબઇ ખાતેના સ્મારક માટે ઇન્દિરા ગાંધીએ પોતાના વ્યક્તિગત બેંક ખાતામાંથી તે સમયે ૧૧ હજાર રૂપિયાનો સહયોગ આપ્યો હતો. ઇન્દિરાએ જાહેરમાં વીર સાવરકરના સ્વતંત્રતા આંદોલનમાં યોગદાનની પ્રશંસા કરી હતી અને ફિલ્મ્સ ડિવિઝને સાવરકર પર ફિલ્મ પણ બનાવી હતી. તેમણે કહ્યું કે મહાન ક્રાંતિકારીને સન ઓફ પોર્ટુગલ કહીને દેશભક્તનું અપમાન કરાયું છે. રાજ્ય સરકાર પાસે વીર-વીરાંગનાઓના અપમાન કરવા અને ફક્ત એક પરિવારની પ્રશંસા કરવાનો એજન્ડા છે.
સાવરકરને ‘સન ઓફ પોર્ટુગલ’ ગણાવતાં નવો વિવાદ

Recent Comments