(એજન્સી) નવી દિલ્હી, તા.૪
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સોનાલી બેન્દ્રે કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહી છે અને તેનો ખુલાસો તેમણે ખુદ એક નિવેદન જારી કરીને કર્યો છે. સોનાલી બેન્દ્રેએ બુધવારે જણાવ્યું કે તેણીને હાઈ ગ્રેડ કેન્સર છે અને તેણીની ન્યુયોર્કમાં સારવાર ચાલી રહી છે. હાઈ ગ્રેડ કેન્સર એવું હોય છે જેમાં કેન્સરના કણો ખૂબ જ ઝડપથી વધે છે અને ફેલાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક લાગણીશીલ નિવેદનમાં સોનાલીએ કહ્યું છે કે કેન્સર ફેલાતું ગયું જેની અમને ખરેખર ખબર જ ના પડી. સતત દુઃખાવા અને અસહ્ય પીડાને કારણે તબીબી તપાસ કરાવવામાં આવી જેને પગલે આ ચોંકાવનારી બાબત સામે આવી. મારા મિત્રો અને મારો પરિવાર આ મુશ્કેલીભર્યા સમયમાં મારી સાથે છે અને દરેક પ્રકારે મારી મદદ કરી રહ્યા છે. હું ખૂબ જ નસીબદાર છું અને આ સૌની આભારી છું. સોનાલીએ કહ્યું કે હું તેનો સામનો કરી કરીશ કારણ કે હું જાણું છું કે મારી પાસે મારા પરિવાર અને મિત્રોની શક્તિ છે. આ બીમારી સામે લડવા માટે તાત્કાલિક અને ઝડપથી પગલું ભરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. અમે આશાવાદી છીએ અને હું આ રસ્તામાં આવનારી તમામ મુશ્કેલીઓ સામે લડવા માટે દૃઢ છું. ગત કેટલાક દિવસોમાં મને મળેલા અનહદ પ્રેમ અને સમર્થને મારી મદદ કરી. જેના માટે હું સૌની આભારી છું. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી સોનાલી બેન્દ્રે ઘણા વર્ષોથી લાઈન લાઈટથી દૂર છે. તેણીએ ‘સરફરોશ’, ‘હમ સાથ સાથ હૈ’, અને ‘લજ્જા’ જેવી ચર્ચિત ફિલ્મોમાં યાદગાર અભિનય માટે ઓળખવામાં આવે છે. તેમણે ફિલ્મકાર ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા હતા. તેમનો ૧૩ વર્ષનો રનવીર નામનો પુત્ર છે કે જેનો વર્ષ ર૦૦પમાં જન્મ થયો હતો.