(એજન્સી) તા.૧૭
અભિનેત્રી સોનમ કપૂરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતના હાલમાં જ ડિવોર્સ વિશે આપેલા નિવેદનની આકરી ટીકી કરી છે. સોનમે કહ્યું કે, આ ખૂબ જ પછાત વિચાર દર્શાવતી અને મૂર્ખામીભરી વાત છે. ભાગવતે કહ્યું છે કે, ડિવોર્સના કેસ વધુ ભણેલા ગણેલા પરિવારોમાં વધુ જોવા મળી રહ્યા છે. કારણ કે, આનાથી અહંકાર આવી જાય છે. આ વિશે જ સોનમે આ વાત કહી છે.
સોનમે ટિ્‌વટ કરીને બતાવ્યો ગુસ્સો : મોહન ભાગવતના નિવેદનવાળા સમાચારને રિટિ્‌વટ કરીને સોનમે લખ્યું કોઈ સમજદાર વ્યક્તિ કેવી રીતે આ પ્રકારની વાત કરી શકે છે. એકદમ મૂર્ખતાપૂર્ણ અને પછાત વિચારોને વ્યક્ત કરતું વિચિત્ર નિવેદન છે. આ સોનમ કપૂરનું આ ટિ્‌વટ સોશિયલ મીડિયા પર ઘણુ ચર્ચિત થઈ રહ્યું છે. સોનમના આ ટિ્‌વટર પર હજારો લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ બોલ્યા હતા મોહન ભાગવત : આરએસએસના એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું હતું વર્તમાન સમયમાં ડિવોર્સના કેસ સતત વધી રહ્યા છે. ડિવોર્સના કેસ શિક્ષિત અને સંપન્ન પરિવારોમાં વધુ છે. આનું કારણ એ છે કે, શિક્ષણ અને સંપન્નતાથી લોકોમાં અહંકાર આવી જાય છે જેનું પરિણામ પરિવારોનું તૂટવું છે. પરિવાર તૂટવાથી સમાજ પણ વિખેરાય છે કારણ કે, સમાજ પણ એક પરિવાર છે.
સામાજિક મુદ્દાઓ પર બોલતી રહે છે સોનમ : આ પહેલીવાર નથી જ્યારે સોનમ કપૂરે કોઈ રાજકીય કે સામાજિક મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય રાખ્યું હોય હાલમાં જ દિલ્હીના શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શન વિશે પણ તેણે ટિ્‌વટ કર્યું હતું. શાહીનબાગ અને જામિયામાં ફાયરિંગની ઘટના પર તેણે લખ્યું હતું, ક્યારેય વિચાર્યું પણ નહોતું કે, ભારતમાં આવું થશે. વિભાજનકારી રાજનીતિ બંધ કરો, આ નફરત ફેલાવે છે, જો તમે ખુદને હિંદુ સમજતા હોય તો એ સમજે કે તમારો ધર્મ તમારા કર્મ વિશે હોય છે.