(એજન્સી) રાયપુર, તા.૯
છત્તીસગઢમાં આદિવાસી કાર્યકર અને આમ આદમી પાર્ટી (આપ) નેતા સોની સૂરીએ બુધવારે સુરક્ષા દળો પર સાઉથ છત્તીસગઢના સુકમા જિલ્લામાં માર્કસવાદી વિરોધી કાર્યવાહીના નામે ૧પ નિર્દોષ નાગરિકોની હત્યા નિપજાવી હોવાનો આક્ષેપ મૂક્યો છે. છત્તીસગઢ પોલીસે સુકમાના કોન્ટા વિસ્તારમાં સોમવારે હાથ ધરેલા ઓપરેશનમાં કથિત રીતે ૧પ માઓવાદીઓ ઠાર માર્યા હોવાનો દાવો કર્યો છે. ડીજીપી ડીએમ અવસ્થીએ જણાવ્યું કે, નકસલ વિરોધી કાર્યવાહીમાં સુકમાના નાલકટોન્ગ ગામમાં માર્કસવાદીઓના ર૦થી રપ આતંકવાદી સભ્યોની ત્રણ ટુકડીઓ માટે સોમવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાંથી ૧પ માર્કસવાદી ઠાર મરાયા હતા. જો કે સોની સૂરીએ એવો આક્ષેપ કર્યો છે કે, માર્યા ગયેલ ૧પમાંથી એક પણ માર્કસવાદી નહોતો. તેમણે જણાવ્યું કે, નાલાકોટંગમાં રવિવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુરક્ષા દળોએ તેમને હેરાનગતિ કરતા ભયના માર્યા ગ્રામીણો રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ એક સ્થળ પર એકઠા થયા હતા. સોમવારે સવારે ગ્રામીણોએ અચાનક સુરક્ષા દળોને જોયા અને હેબતાઈ ગયા હતા. સુરક્ષા દળોએ નિર્દોષ ગ્રામીણો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.