• માર મારીને હત્યા જેવી ઘટનાઓ પર ગુસ્સો આવે છે, લોહી ઉકળવા લાગે છે : પ્રિયંકા ગાંધી
  • જુમલાબાજોની વિચારધારાથી ભારતને ખતરો : સોનિયા ગાંધી
  • ‘નેશનલ હેરાલ્ડ’ના સ્મારક સંસ્કરણ માટે આયોજિત કાર્યક્રમમાં સોનિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા
  • ભીડ દ્વારા થતી હિંસા સામે આકરા પગલાં ભરવાની જરૂર : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

 

 

 

(એજન્સી)                                તા.ર

દેશભરમાં ભીડના હાથે વધતી હિંસક ઘટનાઓને લઈને દેશભરમાં ભારે દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ હત્યાઓ અંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધીએ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પ્રિયંકા ગાંધીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે આ સ્થિતિ અંગે તે ખૂબ જ હતપ્રભ છે અને તેમને ખૂબ જ ગુસ્સો પણ આવે છે. તેમણે કહ્યું કે મને ત્યારે ઘણો ગુસ્સો આવે છે જ્યારે પણ હું આવી વસ્તુઓ ચેનલ કે ટીવી કે ઈન્ટરનેટ પર વાઈરલ થતી જોઉં છું. મારું લોહી ઉકળવા લાગે છે. ખરેખર તો સાચી વિચારસરણી ધરાવતી દરેક વ્યક્તિનું લોહી ઉકળવું જોઈએ. એમ મારું માનવું છે. ખરેખર કોંગ્રેસે શનિવારે નેશનલ હેરાલ્ડના સ્મારક સંસ્કરણ લોન્ચ કર્યું જેમાં રાષ્ટ્રપતિ મુખર્જી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને મનમોહનસિંહ પણ હાજર હતા. પ્રણવ મુખર્જીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આવી ઘટનાઓ વિરૂદ્ધ કડક પગલાં ભરવાની જરૂર છે. જો કે સોનિયા ગાંધીએ પણ નામ લીધા વિના ભાજપ સામે આંગળી ચિંધતા નિશાનો સાધ્યો હતો. સોનિયાએ આકરા શબ્દોમાં કહ્યું કે જે કાયદાની રક્ષા કરે છે તે જ આવા લોકોને ટેકો આપી રહ્યા છે, જે નક્કી કરે છે કે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, કોનાથી પ્રેમ કરો અને કોનાથી નહીં. એટલું જ નહીં બળજબરીપૂર્વક તેમની વિચારધારા થોપી દેવા માંગે છે. સૂત્રો મુજબ સોનિયા ગાંધીએ વધતી હિંસા બાદ એ સ્પષ્ટ થયું છે કે દેશ પર સાંપ્રદાયિક ખતરો તોળાઈ રહ્યો છે અને કાયદો વ્યવસ્થાનો લીરે લીરાં ઉડાવી દેવાયા છે. આઝાદીના ૭૦ વર્ષ પૂર્ણ થવા પર નેશનલ હેરાલ્ડ અખબારના સ્મારકના સંસ્કરણને જારી કરવાના આયોજિત એક સમારોહમાં જ તેમણે આ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, પત્રકારો અને અખબારના માલિકો પર આદેશ માનવા અને પોતાના પ્રોત્સાહન માટે દબાણ કરવામાં આવી રહ્યો છે. એટલા માટે સત્ય બોલવું વર્તમાન યુગમાં ફરજિયાત થઈ ગયું છે.

સોનિયા ગાંધીએ આકરા શબ્દોમાં ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે જુમલાબાજીના વિચારો પુરાતનપંથી છે અને તેનાથી જ ભારતને ખતરો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ દરેક ઘટનાઓ માટે ભાજપની મોદી સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે ભારતની સમાવેશી સંકલ્પના પર હુમલા થઈ રહ્યા છે અને ઘરેલુ કુપ્રશાસનને કારણે દેશની સામે ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે.

તેમણે કહ્યું કે નેશનલ હેરાલ્ડ એ સમયની યાદ અપાવે છે  જ્યારે રાષ્ટ્રવાદ વિદેશી શાસન વિરૂદ્ધ લડ્યો હતો પરંતુ આજે ઘરેલુ કુપ્રશાસન દેશ માટે મોટા ખતરા સમાન બની ગયો છે. એવા સમયે જ્યારે સમાવેશી સંકલ્પના પર હુમલા થઈ રહ્યા છે અને પ્રેસ પર સવાલ પૂછવાને બદલે આદેશ માનવા અને પ્રોત્સાહન આપવા દબાણ કરાઈ રહ્યો છે ત્યારે સત્તા સામે સત્ય બોલવાની જરૂર છે. તેના બાદ સોનિયાએ કહ્યું કે જ્યારે ત્યાગ અને સંઘર્ષની પીડા સહીને ઈતિહાસ બનાવાતો હોય તે સમયે અલગ ઊભા રહેલા લોકો જેમને અમારા દેશના બંધારણમાં ઓછી નિષ્ઠા છે તે લોકો આજ એવું ભારત બનાવવા માગે છે જે ૧પ ઓગસ્ટના રોજ આઝાદ થયેલા આઝાદ ભારતથી એકદમ અલગ હોય. તેમણે કહ્યું કે આપણે ભૂલવું ન જોઈએ કે આ લોકોએ ભારતના નિર્માણ માટે કોઈ બલિદાન નથી આપ્યો. ભલે જ તેમની ભાષા આધુનિક છે પરંતુ તે પોતાના સંકીર્ણ ઉદ્દેશ્યો માટે ભારતને પાછળ લઈ જવા માંગે છે. તેમની આધુનિક જુમલેબાજીમાં પુરાતનપંથી વિચારો છુપાયેલા છે જે આધુનિક વિચાર અને દૃષ્ટિકોણથી વિપરીત રજૂ કરે છે. આ પાખંડને ઉઘાડો કરવા અને સત્ય સામે લાવવો એ આપણી ફરજ છે.  તેમણે કહ્યું કે આજે કટ્ટરપંથી તાકાતોએ ભારતના અજમાવેલા અને સફળ મૂલ્યો પર સવાલો ઊભા કરી દીધા છે. વધતી અસહિષ્ણુતા વચ્ચે દ્વેષપૂર્ણ તાકાતો લોકોને જણાવે છે કે શું આરોગવું કે શું ન આરોગવું કોને પ્રેમ કરવો અને કોને ન કરવો ?