(એજન્સી) તા.૧૧
સામાન્ય ચૂંટણીમાં કારમી હાર પછી વિવિધ રાજ્યોમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલી કોંગ્રેસે સોનિયા ગાંધીને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષનું પદ સંભાળવા વિનંતી કરી હતી પરંતુ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે તેમના પુત્ર રાહુલ ગાંધીએ ત્યજી દીધેલા પદને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો જ્યારે એક ન્યૂઝ ચેનલે ગુરૂવારે કાર્યકારી કોંગ્રેસ અધ્યક્ષ બનવાની શક્યતા વિશે પ્રશ્ન કર્યો. ત્યારે સોનિયા ગાંધીએ કોઈ પ્રતિબદ્ધતા દર્શાવી ન હતી. ઉલ્લેખનીય છે કે, ૭ર વર્ષીય સોનિયા ગાંધીએ સ્વાસ્થ્ય કારણોસર સક્રિય રાજકારણમાં તેમની ભૂમિકા મર્યાદિત કરી દીધી છે. તેમણે નજીકના સહયોગીઓને કહ્યું હતું કે, થોડા સમય માટે પણ અધ્યક્ષ પદ સંભાળવું પડકારરૂપ હશે. સૂત્રો મુજબ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યા પછી આ નિર્ણય પર પુનર્વિચાર કરવાનો ઈન્કાર કરતાં ઘણા નેતાઓએ સોનિયા ગાંધીને દરમિયાનગીરી કરવા વિનંતી કરી હતી.