(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
ચૂંટણીઓમાં ઊંચ નીચ સ્વીકાર્ય હોવાનું દર્શાવતા કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ ગુરૂવારે જણાવ્યું હતું કે, પાર્ટી હાલ ભીષણ પડકારોનો સામનો કરી રહી છે પણ તે ભાગલાવાદી દળો વિરૂદ્ધ તેનો વૈચારિક સંઘર્ષ ચાલુ જ રાખશે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે, તેમના પતિ અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ૧૯૮૪માં સત્તામાં આવ્યા હતા પણ તેમણે ક્યારેય સત્તાનો ઉપયોગ ભય ફેલાવવા માટે કર્યો ન હતો. સોનિયા ગાંધીએ જણાવ્યું કે, રાજીવ ગાંધીએ સ્વતંત્રતા પણ ખતમ કરી ન હતી અને લોકોની આઝાદી પણ છીનવી ન હતી. રાજીવ ગાંધી અંગે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ગુરૂવારે સાંજે સોનિયા ગાંધીએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાને ક્યારેય પોતાની સત્તાનો ઉપયોગ લોકતંત્રના સિદ્ધાંતને જોખમમાં મુકવા માટે કર્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુપીએ સરકારમાં નાણા મંત્રી અને ગૃહમંત્રી રહેલા સિનિયર કોંગ્રેના નેતા પી ચિદમ્બરમને સીબીઆઇએ બુધવારની રાતે આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ કરી હતી. ગુરૂવારે સીબીઆઇની વિશેષ અદાલતે ચિદમ્બરમને ૨૬મી ઓગસ્ટના રોજ સીબીઆઇના રિમાન્ડ પર મોકલી દીધા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ કેન્દ્રની સરકાર દ્વારા સતત સરકારી સંસ્થાનો પર હુમલાના આરોપો લગાવાઇ રહ્યા છે. તાજેતરમાં જ થયેલી લોકસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીના કારમી હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સોનિયા ગાંધીને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં વચગાળાના અધ્યક્ષ બનાવાયા હતા.