(એજન્સી) પટના, તા. ૨૭
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અશોક ચૌધરીને બિહાર પ્રદેશ કોંગ્રેસ કમિટીના વડા પદેથી દૂર કર્યા છે. અગાઉ ચૌધરીએ એઆઈસીસીના અમુક નેતાઓ પર તેમની વિરૂદ્ધ બળવો પોકારી રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો.ચૌધરીએ એઆઈસીસીના જનરલ સચિવ સી પી જોશીએ તેમની વિરૂદ્ધ ષડયંત્ર રચ્યુ હોવાનો આરોપ મૂક્યો છે. સી.પી. જોશી રાજ્યના અધ્યક્ષ સ્થાને પોતાના મનગમતા વ્યક્તિને લાવવા માગે છે. તેમણે હાઈકમાન્ડ ખાતે ચૌધરી પક્ષમાં ભંગાણ પાડી રહ્યા હોવાની ખોટી માહિતી આપી હતી. તેથી તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. તેઓ પક્ષમાં ભંગાણ પાડવા માટે ખોટા એજન્ડાને અપનાવી ચૌધરી વિરૂદ્ધ બળવો કરી રહ્યા હોવાનું જણાવતાં કહ્યું કે, તેઓ ખોટી માહિતી આપી રહ્યા છે કે હું બિહાર કોંગ્રેસમાં ભંગાણ પાડી રહ્યો છું. તેઓ મારી વિરૂદ્ધ બળવો કરી રહ્યાં છે. તેઓએ આરોપ મૂક્યો છે કે, હું નીતિશ કુમારના પક્ષ જેડીયુના ફાયદા માટે કોંગ્રેસને તોડી રહ્યો છું. જેથી તેઓ મને પીસીસીના અધ્યક્ષ પદેથી દૂર કરી તેમના મનપ્જાસંદને પદ સોંપવા માગે છે. ચૌધરીના પિતા મહાવીર બિહારના વરિષ્ઠ કોંગ્રેસ નેતા હતા. ચૌધરી પહેલાં એનએસયુઆઈના નેતા હતા. તેઓ પક્ષ સાથે છેલ્લા ૨૫ વર્ષથી જોડાયેલા છે. ૨૪૩ બેઠકોની બિહાર વિધાનસભામાંથી કોંગ્રેસ પાસે ૨૭ બેઠકો છે.