(એજન્સી) નવી દિલ્હી, તા.૨
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના પ્રસંગે ભાજપ અને તેના વૈચારિક માર્ગદર્શક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) સામે આકરા પ્રહાર કરતા કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ જણાવ્યું કે છેલ્લા થોડાક વર્ષોમાં જે થયું છે તેને જોઇને મહાત્મા ગાંધીનો આત્મા દુઃખી થયો હશે અને રડી રહ્યો હશે. રાજઘાટ ખાતે પોતાના ટૂંકા સંબોધનમાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે જુઠ્ઠાણાના રાજકારણમાં સંડોવાયેલાઓ મહાત્મા ગાંધીને સમજશે નહીં. તેમણે એવું પણ કહ્યું કે જે લોકો પોતાને સર્વેસર્વા બતાવવાની ઇચ્છા ધરાવનારાઓ મહાત્મા ગાંધીના બલિદાનોને કેવી રીતે સમજી શકે છે. જે લોકો જુઠનું રાજકારણ કરી રહ્યા છે, તેઓ ગાંધીજીની અહિંસાની ફિલોસોફી સમજશે નહીં. ગાંધીજીના આદર્શો પર ચાલવાનો કોંગ્રેસના કાર્યકરોને શપથ લેવડાવતા સોનિયા ગાંધીએ જણાવ્યું કે ભારત અને ગાંધી એકબીજાના પર્યાય છે પરંતુ કેટલાક લોકો આરએસએસને ભારતનું પ્રતીક બનાવવા માગે છે પરંતુ એ શકય નથી. આપણા દેશના પાયામાં ગાંધીના વિચાર છે. કોંગ્રેસના કાર્યકરોને સંબોધિત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ આખી દુનિયાને અહિંસાનો રસ્તો અપનાવાની પ્રેરણા આપી. આજે ભારત જયાં પહોંચ્યું છે ત્યાં ગાંધીના રસ્તા પર ચાલીને પહોંચ્યું છે. સોનિયા એ કહ્યું કે ગાંધીનું નામ લેવું સરળ છે પરંતુ તેમના રસ્તા પર ચાલવું મુશ્કેલ છે.
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું કે મહાત્મા ગાંધીના રસ્તા પરથી હટીને પોતાની દિશામાં લઇ જનાર પહેલાં પણ ઓછા નહોતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સામ-દામ-દંડ-ભેદનો ખુલ્લો વેપાર કરીને તેઓ પોત-પોતાને ખૂબ તાકતવર સમજે છે, તેમ છતાંય ભારત ભટકશે નહીં કારણ કે આપણા દેશમાં ગાંધીના વિચારોની આધારશિલા છે. તેમણે કહ્યું કે આજકાલ કેટલાંક લોકોએ ગાંધીના વિચારોને ઉલ્ટા કરવાની કોશિશ કરી છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સોનિયા ગાંધીનાં પુત્ર પ્રિયંકા ગાંધી વાઢરાએ જણાવ્યું કે સત્યના માર્ગ પર ચાલવાનો ગાંધીનો આદેશ હતો. ભાજપ સર્વપ્રથમ સત્યના માર્ગ પર ચાલે અને ત્યાર પછી મહાત્મા ગાંધી વિશે વાત કરે. અગાઉ, કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના પ્રસંગે કોંગ્રેસના કાર્યકરોની એક કૂચનું નેતૃત્વ કર્યું હતું. ‘ગાંધી સંદેશ યાત્રા’ દીનદયાલ ઉપાધ્યાય માર્ગ ખાતે આવેલી દિલ્હી કોંગ્રેસ ઓફિસેથી શરૂ થઇને આશરે ત્રણ કિલોમીટરના અંતરે આવેલા રાજઘાટ ખાતે પુરી થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય રાજકીય નેતાઓ સાથે સંસદના સેન્ટ્રલ હોલમાં સોનિયા ગાંધીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નેતાઓએ ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને પણ તેમની ૧૧૫મી જન્મજયંતીના પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સોનિયા ગાંધીએ કહ્યું કે જે અસત્ય પર આધારિત રાજકારણ કરી રહ્યા છે તેઓ કેવી રીતે સમજશે કે ગાંધી સત્યના પૂજારી હતા. જેમણે પોતાની સત્તા માટે બધું જ કરવાનું મંજૂર છે તેઓ કેવી રીતે સમજશે કે ગાંધી અહિંસાના પૂજારી હતા. જેમને મોકો મળતા જ પોતાને જ સર્વેસર્વા બનાવવાની આદત હોય તેઓ ગાંધીજીના નિસ્વાર્થ મૂલ્યોને કેવી રીતે સમજશે.
સોનિયા ગાંધીએ કહ્યું કે નહેરૂ-ઇન્દિરા-રાજીવ-નરસિંહમ્હા, અને મનમોહન સિંહે દેશને વિકાસના માર્ગ પર લઇ જવાનું કામ કર્યું છે. આજે ખેડૂતની સ્થિતિ બદતર છે, યુવાનો બેરોજગાર છે, માતાઓ-બહેનો સુરક્ષિત નથી.

છેલ્લા પાંચ વર્ષમાં ભારતે મહાત્મા ગાંધીના ભારતના
વિચારને હચમચાવી નાખ્યો : સોનિયા ગાંધી

(એજન્સી) નવી દિલ્હી, તા.૨
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના પ્રસંગે રાજઘાટ ખાતે પોતાના સંબોધનમાં યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં આપણે જે ભારતને જોયું છે એ ભારત મહાત્મા ગાંધીના ભારતના વિચારને હચમચાવી નાખશે. તેમણે કહ્યું કે ગાંધીજીનું નામ લેવું સરળ છે પરંતુ તેમણે બતાવેલા માર્ગ પર ચાલવાનું અને તેમના સિદ્ધાંતો પર અમલ કરવાનું મુશ્કેલ છે. ભારતના પાયામાં ગાંધીજીની વિચારધારા અને સિદ્ધાંતો છે. મહાત્મા ગાંધીને ટાંકીને સોનિયા ગાંધીએ જણાવ્યું કે ગાંધીજીના નામનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરનારાઓ ભારતને ગાંધીજીના ઉપદેશોથી ભટકાવવા કે કુમાર્ગે લઇજવામાં સફળ થશે નહીં. તેમણે એવો દાવો કર્યો કે ભાજપ માત્ર ઉપરછલ્લે મહાત્મા ગાંધીના નામનો ઉલ્લેખ કરી રહ્યો છે પરંતુ તેઓ ગાંધીજીની વિચારસરણીને અનુસરી રહ્યા નથી. તેમણે એવું પણ કહ્યું કે અસત્યનું રાજકારણ કરનારાઓ ક્યારેય પણ મહાત્મા ગાંધીને સમજી શકશે નહીં. શાહજહાંપુરના કેસ અંગે સોનિયા ગાંધીએ કહ્યું કે આજે મહિલાઓ સુરક્ષિત નથી અને શક્તિશાળી લોકો સંપૂર્ણ સજા-મુક્તિથી ગુનાઓ આચરી રહ્યા છે. ગાંધીજી નફરતની નહીં પરંતુ પ્રેમની પડખે રહ્યા હતા. તેઓ સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહીના હિમાયતી હતા. માત્ર કોંગ્રેસ ગાંધીજીના માર્ગે ચાલી છે અને ભવિષ્યમાં પણ તેમના માર્ગે ચાલશે.

ભાજપ મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને નેવેમૂકીને ઇજીજીને ભારતનું
પ્રતીક બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે : સોનિયા ગાંધી

કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહાર કરતા બુધવારે જણાવ્યું કે ભાજપ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નેવેમૂકીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને ભારતનું પ્રતીક બનાવવા માગે છે. તેમણે કહ્યું કે ગાંધીજી સરમુખત્યારશાહી માટે નહીં પરંતુ અહિંસા માટે જાણીતા હતા. તેમણે એવું પણ કહ્યું કે સત્તા પોતાના હાથમાં હોવાનું વિચારનારાઓ ક્યારેય ગાંધીજીના સ્વરાજ અને દેશ તેમ જ દેશના લોકો માટે તેમના નિસ્વાર્થ પ્રેમને સમજી શકશે નહીં. ગાંધીજી નફરત નહીં પ્રેમ અને સરમુખત્યારશાહી નહીં લોકશાહીના હિમાયતી અને તેની પડખે હતા. આઝાદી બાદ કોંગ્રેસ ગાંધીજીએ બતાવેલા માર્ગ પર ચાલી રહી છે અને કોંગ્રેસે જ દેશમાં ક્રાંતિ લાવવાનો પ્રયાસ કર્યો છે.