(એજન્સી) નવી દિલ્હી, તા.૧
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર વધતી ‘અસહિષ્ણુતા’ને લઈને પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, લોકો પર ભારતીયતા પ્રત્યે ભેદભાવપૂર્ણ દૃષ્ટિકોણ થોપવામાં આવી રહ્યો છે અને દેશનો વારસો આજે તેવા લોકોના હાથોમાં છે, જે ઈતિહાસનું પુનર્લેખન, જુઠ્ઠાણું ફેલાવવા અને અવૈજ્ઞાનિક વિચારોને આપણા પર થોપવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ભાષણ તેમની ગેરહાજરીમાં તેમના પુત્ર અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વાંચ્યું. આ પુરસ્કાર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને રાહુલ ગાંધીએ કૃષ્ણાને આપ્યો. સોનિયા ગાંધીએ કહ્યું, આપણે ખરાબ શક્તિઓની વિરૂદ્ધ અવિચલિત, નીડર અને તટસ્થ થવું જરૂરી છે, જે આપણી જમીનને પચાવી પાડવા માંગે છે. સમારંભમાં રાષ્ટ્રીય એકતા માટે ૩૦મા ઈન્દિરા ગાંધી પુરસ્કારથી કર્ણાટકના સંગીતકાર ટી.એમ.કૃષ્ણાને સન્માનિત કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા પુરસ્કાર તે મૂલ્યોને માન્યતા પૂરી પાડે છે, જે મૂલ્યો માટે એક સમયે તેણીનીએ લડત આપી હતી. જ્યારે આપણો દેશ સંકુચિત રાષ્ટ્રવાદના નામે ઝડપથી વહેંચાઈ રહ્યો હતો.
ગાંધીએ કહ્યું, ઈન્દિરા ગાંધી દેશની એકતા અને અખંડિતતા માટે લડતા રહ્યા, તેમણે એક એવા ભારત માટે લડત આપી, જેમાં જાતિ, પંથ, મત તેમજ ક્ષેત્રનો ભેદભાવ ના હોય.
સોનિયા ગાંધીએ કહ્યું કે, ઓપરેશન બ્લુ સ્ટાર બાદ ઈન્દિરા ગાંધીને કેટલાક અંગરક્ષકો બદલવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તેમણે એ કહેતા ઈન્કાર કરી દીધો કે તે કોઈની સાથે ધર્મના આધારે ભેદભાવ ના કરી શકે. તેમણે પોતાના સિદ્ધાંતો માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું, પરંતુ ભારત અને તેના લોકોમાં પોતાના વિશ્વાસની સાથે તેમણે ક્યારેય પણ સમાધાન કર્યું નથી.