(એજન્સી) તા.૨૩
આસામમાં નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ દેખાવો વચ્ચે આસામ સરકારે શનિવારે અસમિયા ભાષા અને જમીન, મૂળ નિવાસીઓના કલ્યાણ અને સ્વાયત્ત આદિવાસી પરિષદોની સુરક્ષા માટે અનેક ઉપાયો કરવાની જાહેરાત કરી હતી. હેમંત વિશ્વ શર્માએ કહ્યું કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ આગ્રહ કર્યો છે કે તે ભારતના બંધારણની કલમ ૩૪૫માં સુધારો કરીને અસમિયાને આસામની માતૃભાષા જાહેર કરે. બરાક ઘાટી, બોડોલેન્ડ, ટેરિટોરિયલ એરિયા ડિસ્ટ્રિક્ટ એરિયા અને પર્વતીય જિલ્લામાં તે લાગુ નહીં પડે. હેમંત શર્માએ કહ્યું કે, મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના વડપણ હેઠળના મંત્રીમંડળની બેઠકમાં વિધાનસભાના આગામી સત્રમાં એક કાયદો લાવવા અંગે પણ નિર્ણય કરાયો હતો જેના માધ્યમથી રાજ્યની તમામ અંગ્રેજી અને અન્ય માધ્યમની સ્કૂલોમાં અસમિયા ભાષાનો અભ્યાસ ફરજીયાત કરવામાં આવશે.
હેમંત શર્માએ કહ્યું કે, રાજ્યની કેબિનેટે નિર્ણય કર્યો છે કે આગામી વિધાનસભા સત્રમાં એક નવું બિલ લવાશે જેનાથી રાજ્યના મૂળ નિવાસીઓને જમીનના અધિકાર સુરક્ષિત કરી અપાશે. આ બિલ હેઠળ મૂળ નિવાસી પોતાની જમીન ફક્ત મૂળ નિવાસીઓને જ વેચી શકશે. તેમણે જણાવ્યું કે આસામ વારસા સંરક્ષણ બિલ લાવશે જેમાં વારસા સંપત્તિનું અતિક્રમણ, ખરીદી અને વેચાણ એક ગંભીર ગુનો ગણાશે. નાણામંત્રીએ જ્યારે પૂછાયું કે નવા નિર્ણયની જાહેરાત એવા સમયે કેમ કરી જ્યારે રાજ્યમાં સીએએ વિરુદ્ધ દેખાવો થઇ રહ્યાં છે? તેના પર શર્માએ કહ્યું કે દેખાવો અને વિકાસની ગાડી સાથે સાથે ચાલે છે. અમે ૨૦૨૧માં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે તૈયાર છીએ. અમારી પાસેઅ મારા વાયદાને પૂરાં કરવા માટે ફક્ત એક જ વર્ષનો સમય બાકી રહ્યો છે.