અમરેલી, તા.૧૭
અમરેલીના જાંબાજ નીડર અને નિષ્ઠાવાન પોલીસ અધિક્ષક તેમજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ વિરૂદ્ધ રાજકોટની લેડી ડોનથી પ્રખ્યાત સોનુ ડાંગર દ્વારા આજે સોશિયલ મીડિયા વોટ્‌સએપમાં અભદ્ર વાણી વિલાસ તેમજ ધમકી ભર્યો વીડિયો વાયરલ કરતા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. એક આઇપીએસ અધિકારી સામે કૂખ્યાત લેડી દ્વારા વીડિયો વાયરલ કરતા સમગ્ર પોલીસ બેડામાં રોષનું વાતાવરણ જોવા મળેલ હતું, બનાવ અંગે સોનુ ડાંગર સામે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઇ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એ.પી.ડોડીયા વિરૂદ્ધ રાજકોટની લેડી ડોન દ્વારા આજે વાયરલ કરેલ વીડિયોમાં જાણવાયું હતું કે એસ.પી. અને મહિલા પીએસઆઇ ડોડીયા હિન્દુઓની ઓલાદ નથી તેમના ડીએનએ ટેસ્ટ કરવા પડશે અને મહિલા પીએસઆઇ ડોડીયાને કહેલ હતું કે ડોડીયા મેડમ આપણો આમનો સામનો થશે એક બાપના હો તો સામા આવજો. ડોડીયા મેડમ તમે બચતા રહેજો. ધમકી માનો કે જે માનો તે તમે મુન્ના ઉપર હાથ ઉપાડ્યો છે તેનું તમારે ભોગવું પડશે તેમ વીડિયોમાં અશ્લીલ ભાષામાં પોલીસને અપશબ્દો કહી ધમકી આપી હતી, જેથી આ વીડિયો વાયરલ કરતા મહિલા પીએસઆઇ દ્વારા સાવરકુંડલા રૂરલ પોલીસમાં સોનુ ડાંગર સામે મહિલા પીએસઆઇ ખુદ ફરિયાદી બની સોનુ ડાંગરની શાન ઠેકાણે લાવવા પોલીસે ધરપકડ કરવાની તૈયારીઓ શરૂ કરી છ. અમરેલી એસપી વિરૂદ્ધ સોનુ ડાંગરે બકવાસ કરતા સમગ્ર જિલ્લામાં સોનુ ડાંગર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. અમરેલી શહેરના વેપારીઓ તેમજ નાગરિકો દ્વારા સોનુ ડાંગર સામે રોષ ઠાલવેલ હતો અને કડકમાં કડક સજા કરવા જાણવાયું હતું.

SP નિર્લિપ્ત રાય તમે જે કર્યું તે તમને પાછું મળશે

અમદાવાદ, તા.૧૭
જય હિન્દ. વંદે માતરમ્‌. અમરેલીના એસપી સાહેબ અને ડોડિયા મેડમને મારે એટલું જ કહેવાનું કે, તમે ૧૦૦૦% હિન્દુના સંતાનો નથી. તમારે બંને લોકોએ તપાસ કરવી જોઈએ કે તમારું ડીએનએ શું છે. તમે લોકોએ મુન્નાભાઈ સામે ખોટા કેસ કર્યા, અમને લોકોને પરેશાન કર્યા તે બહુ ખોટું કર્યું છે. ડોડિયા મેડમ, કોઈ વાંધો નહીં. આપણે આમને સામને થઈ જઈશું. તમારે કેસ કરવો હોય તો કરી દેજો. હું સોનું ડાંગર પોતે બોલું છું. આપણે બંનેનો આમનો સામનો થશે. હું મારા બાપની અને તમે તમારા બાપના હોવ તો મુન્નાભાઈ વિરૂદ્ધના બધા પુરાવા લઈને આવજો. અમે એ રીતે તૈયારી રાખીને આવીશું.’ ‘એસપી સાહેબ (નિર્લિપ્ત રાય)નું નામ નૉન કરપ્ટ અધિકારી તરીકેનું છે. તેમની ગણતરી બહુ સારા માણસ તરીકે થાય છે. તેઓ પોતે આવું ખોટું કરે તે બહું કહેવાય. આ લોકોનું ઝમીર મરી ગયું છે. આ તમામ લોકો (મુસ્લિમ ધર્મગુરૂ વિરૂદ્ધ અપમાનજનક શબ્દો વાપરી) આ લોકોનું કામ અમને લોકોને પરેશાન કરવાનું છે. કોઈ વાંધો નહીં. એસ.પી. સાહેબ તેમની મરજી પ્રમાણે કામ કરે. ડોડિયા મેડમ, તમે બચીને રહેજો. ધમકી કહો કે જે પણ, તમે મુન્ના પર હાથ ઉપાડ્યો તેનું પરિણામ તમારે ભોગવવું પડે. સિંહ જ્યારે પિંજરામાં હોય ત્યારે તમારા જેવા (ગાળ બોલે છે) લોકો તેને સળી કરે છે. બાકી કોઈની તાકાત નથી કે મુન્નાને કોઈ આંગળી પણ અડાવે. તમે બધાએ (ગાળ બોલે છે) કર્યું છે તેનો બદલો લેવામાં આવશે. તમે ધમકી સમજો કે કંઈ પણ, મારી ધરપકડ કરવી હોય તો પણ કરી શકો છો. તમે જે કર્યું છે તે તમારે ભોગવવું પડશે. તમે પોલીસ અધિકારી છો એટલે તમને જય હિન્દ પરંતુ તમે જે વ્યક્તિગત દુશ્મની રાખી છે તેના માટે તમને સાત વખત પડકાર ફેંકું છું. તમે જે કર્યું તે તમને પાછું મળશે. જય હિન્દ. વંદે માતરમ્‌.