અમરેલી,તા.૩૧
અસામાજિક પ્રવૃતિઓ દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવનાર રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરને પોલીસે પાસા હેઠળ ભૂજની જેલમાં મોકલી દીધી છે. ડાંગર સામે ર૦ વધુ ગંભીર ગુના નોંધાયા છે. રાજકોટની માથાભારે અને બે કોમ વચ્ચે ભાગલા પડાવવાની પ્રવૃતિ કરતી સોનુ ડાંગરે તાજેતરમાં મહિલા પોલીસ અધિકારી સામે બિભત્સ ઉચ્ચારણ સાથે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવા ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવો વીડિયો બનાવી અલગઅલગ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યો હતો. જે અંગે સાવરકુંડલા રૂરલ પો. સ્ટેશનમાં ઈપીકો કલમ ર૯પ (એ), ૧૦૯, ૧૮૪, રર૮, પ૦૦, પ૦૪, પ૦૬ તથા આઈટી એકટ કલમ-૬૭ મુજબ ગુનો દાખલ કરાયો હતો. જે ગુનામાં ૪૮ કલાકમાં સોનુ ડાંગરને રાજસ્થાનના ઉદેપુરથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા તેને જયુ. કસ્ટડીમાં મોકલી દેવાઈ હતી. સોનુ ડાંગર વિરૂદ્ધમાં અગાઉ રાજકોટ શહેર, ગીરસોમનાથ, જૂનાગઢ, અમદાવાદ, અમરેલી વગેરે જગ્યાએ મળી અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આશરે ર૦ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે. જેમાં ખૂન, ખૂનની કોશિશ, ગેરકાયદેસરના હથિયારના, મારામારીના, ધમકી આપવાના, અપહરણ, ખંડણીની ઉઘરાવવાના ધાર્મિક લાગણી દુભાવવાના, નશાબંધી દ્વારા ભંગના ગુનાઓનો સમાવેશ થાય છે. આમ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણીમાં અવરોધરૂપ બનતી. સોનુ ડાંગર સામે અમરેલી એલસીબી ઈન્ચાર્જ પો. ઈન્સ. આર.કે. કરમટાએ સોનલ ઉર્ફે સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઈ ડાંગર રહે. અક્ષરનગર-૪ ગાંધીગ્રામ, બાલમુકુંદ ડેરી પાસે, રાજકોટ શહેર વિરૂદ્ધ પુરાવાઓ એકઠા કરી પાસા દરખાસ્ત કરી પોલીસ અધિક્ષક અમરેલી મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી આપેલ. આમ તકરારી સ્વભાવની અને સલાત્મક પ્રવૃતિ કરતા વ્યકિતની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતા અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ આયુષઓ કે સોનુ ડાંગર વિરૂદ્ધ પાસાનું વોરંટ ઈસ્યુ કરતા તેણીને ભૂજની પાલાશ જેલમાં મોકલી દીધી છે.