જૂનાગઢ,તા.પ
ઈસ્લામ ધર્મના પવિત્રગ્રંથ કુર્આનશરીફની તૌહિન કરનાર રાજકોટની કુખ્યાત બુટલેગર સોનુ ડાંગરની તાત્કાલિક ધરપકડ કરવાની મુસ્લિમ એકતા મંચ દ્વારા માંગ કરવામાં આવી છે.
ટૂંકમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની છે. ત્યારે કોમી લાગણી ઉશ્કેરવા રાજકોટની કુખ્યાત બુટલેગર સોનુ ડાંગર પુનઃસજ્જ થઈ છે. આ શૈતાન સોનુ ડાંગરે દુનિયાને સાચો રસ્તો દેખાડનાર અને મુસ્લિમોની આકાશી કિતાબ એવા પવિત્રગ્રંથ કુર્આનશરીફની તૌહિન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા તેના ઘેરા પડઘા અને પ્રત્યાઘાતો મુસ્લિમ સમાજમાં પડયા છે અને ચોમેરથી વિરોધનો વંટોળ ઉભો થયો છે. શૈતાન ડાંગરની આ ભાગલાવાદી પ્રવૃતિ સામે જૂનાગઢના મુસ્લિમ એકતા મંચ તથા મુસ્લિમ અગ્રણીઓએ પ્રચંડ વિરોધ દર્શાવી મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવનાર ડાંગરની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. અગાઉ વિધાનસભા ચૂંટણી સમયે ઈસ્લામી ધર્મના મહાન પયગમ્બર સાહેબ વિશે અપમાનજનક ટિપ્પણીઓ આ શૈતાને કરી હતી અને તેના વીડિયો વાયરલ કર્યા હતા.આ વખતે મુસ્લિમ એકતા મંચે ચીમકી ઉચ્ચારી છે કે અવારનવાર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવનાર આ શૈતાન સોનુ ડાંગરની ધરપકડ નહીં કરાય અને કાયદાકીય રીતે તેની સામે સખત પગલાં નહી લેવાય તો મુસ્લિમ સમાજ દ્વારા દરેક ગામ અને શહેરોમાં આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરી બંધારણની મર્યાદામાં રહી સખત વિરોધ નોંધાવવામાં આવશે. આ અંગે મંચના કન્વીનર ઈમ્તિયાઝ પઠાણ દ્વારા રાજયના ગૃહમંત્રી તથા રાજયના સીઆઈડી ક્રાઈમના વડાને લેખિત ફરિયાદ કરાઈ છે.