(એજન્સી) મુંબઈ, તા.૧૮
કાશ ! મારો જન્મ ભારતમાં નહીં પણ પાકિસ્તાનમાં થયો હોત તો સારૂં થતું ! એમ પ્રખ્યાત ગાયક સોનુ નિગમે વિવાદિત નિવેદન કરતા સોશિયલ મીડિયા અને સમાચારોમાં ચર્ચા જગાવી છે. અહેવાલ મુજબ ભારતમાં મ્યુઝિક કંપનીઓ ગાયક પાસેથી રકમ વસૂલી હોવાનો બળાપો કાઢતા સોનુ નિગમે જણાવ્યું કે ભારતમાં ગાયકો સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર થાય છે. ભારતમાં ગાયકોએ મ્યુઝિક કંપનીઓને નાણાં ચૂકવવા પડે છે. જો ગાયક નાણાંં ચૂકવે નહીં તો તેને ગાવાની તક મળતી નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં ગાયકો સાથે આવા વ્યવહાર થતો નથી. ત્યાં ગાયકો પાસેથી કોઈપણ પ્રકારની વધારાની ફી વસૂલવામાં આવતી નથી. સોનુએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે આથી તો સારૂં હોત કે આપણે પાકિસ્તાનના નાગરિક હોત ! ભારતીય મ્યુઝિક કંપની પાકિસ્તાની ગાયકો સાથે આવું વર્તન કરતી નથી. આતિફ અસલમ અને રાહત ફતેહઅલીનો ઉલ્લેખ કરતા સોનુ નિગમે જણાવ્યું કે એમની પાસે ગીત ગવડાવવા માટે નાણાં માંગવામાં આવતા નથી. સોનુએ કહ્યું કે આ જ કારણસર બોલીવૂડમાં ફિલ્મોમાં સારા ગીતો બની શકતા નથી. પહેલાના સમયમાં સંગીતમાં નવું ખેડાણ થતું હતું પરંતુ આજના સમયમાં ફક્ત રિમિક્સ બને છે. હવે મ્યુઝિક કંપનીઓ મ્યુઝિક કમ્પોઝ કરે છે માટે સારા ગીતોની આશા જ રાખવી જોઈએ નહીં. સોનુ નિગમના આ નિવેદન પર અનેક સોશિયલ મીડિયા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે.