(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩
જામ્બુવા પાસે રાત્રિના સમયે પાર્ક કરેલી ટ્રકમાંથી અંદાજે રૂા.૯.૫૦ લાખની કિંમત ધરાવતી સોપારીની ગુણો ચોરી લઇ તસ્કર ટોળકી ફરાર થઇ હોવાનો બનાવ મકરપુરા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ વર્તળુો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર મંગ્લોર એરપોર્ટ પાસે શિવપ્રસાદ હાઉસમાં રહેતા રામાભાઇ વસાવા રીદ્ધિ સિદ્ધી ટ્રાન્સપોર્ટમાં ચાલક તરીકે ફરજ બજાવે છે. ગત તા.૨૯મી માર્ચનાં રોજ મેગ્લોરથી સોપારી જાવંત્રી અને હળદરની અંદાજે ૨૮૬ ગુણ ભરેલી ટ્રક હંકારી મુંબઇથી અમદાવાદ જવા રવાના થયા હતા. દરમ્યાન રાત્રિના સમયે વડોદરા બાયપાસ જામ્બુવા સ્થિત દુર્ગા રોલાઇન્સ પાસે ખુલ્લી જગ્યામાં ટ્રક પાર્ક કરી હતી. ત્યારબાદ ચાલક રામાભાઇ વસાવા અને કિલનર અબ્દુલ કરીમભાઇ કાઝી સૂઇ ગયો હતો. પાર્ક કરેલી ટ્રકને નિશાન બનાવી ત્રાટકેલી તસ્કર ટોળકી તાડપત્રી કાપી તેમાંથી અંદાજે રૂા.૯.૫૦ લાખની કિંમત ધરાવતી સોપારીની ૭૫ ગુણનોનો જથ્થો ચોરી લઇ ફરાર થઇ હતી. જો કે, અવાજ થતાં ક્લિનર જાગી ગયા હતા અને કેબીનમાંથી તેઓ નીચે ઉતર્યા હતા. કિલનર કંઇ સમજે તે પૂર્વે અજાણ્યા તસ્કરો ટ્રક હંકારી અમદાવાદ તરફ નાસી છૂટયા હતા.
કિલનર અબ્દુલભાઇ કાઝીએ ચાલક રામાભાઇ વસાવાને ઉઠાડી વાત કરી હતી. ત્યાર પછી ચાલક રામાભાઇએ મેગ્લોર મુકામે શેઠને ફોન કરી વાત કરતાં તેઓ ચોંકી ગયા હતા. વજન કાંટા ઉપર ટ્રકનું વજન કરાવવામાં આવતા સોપારીનો જથ્થો ભરેલી ૭૫ બોરી ઓછી થઇ હોવાનું બહાર આવ્યું હતું. મકરપુરા પોલીસ મથકે ચોરીના બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.