શ્રીનગર, તા. ૬
જમ્મુ-કાશ્મીરના સોપોરના માર્કેટમાં એક ભયાનક આઇઇડી વિસ્ફોટ થતા ચાર પોલીસકર્મીઓ શહીદ થઇ ગયા હતા. આ હુમલો પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમને નિશાન બનાવી કરાયો હતો. આતંકવાદીઓએ છોટા બજાર અને બડા બજાર વચ્ચે આવેલી એક દુકાન નજીક રિમોટ કંટ્રોલ સંચાલિત આઇઇડી વિસ્ફોટક ગોઠવ્યું હતું. પોલીસ અધિકારીઓને ટાંકતા સત્તાવાર સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, સવારે પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસકર્મીઓએ બોમ્બને શોધી કાઢ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, આસપાસની ત્રણ દુકાનો પણ ખાખ થઇ ગઇ હતી. જોકે મોડે સુધી કોઇ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નહોતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે, વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૯૩માં સલામતી દળો દ્વારા આડેધડ ફાયરિંગમાં ૫૭ લોકોના મોતને પગલે અલગતાવાદીઓએ બંધનું એલાન કરતા માર્કેટની દુકાનો અને બજારો પહેલાથી જ સૂમસામ હતા. દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ માર્યાગયેલા પોલીસ કર્મીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે ટિ્‌વટ કરતા કહ્યું હતું કે, સોપોરમાંથી દુઃખદ સમાચાર મળ્યા. જમ્મુ-કાશ્મીરના ચાર બહાદૂર પોલીસ કર્મીઓ આજે શહીદ થયા છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે પુલવામાના સીઆરપીએફ તાલીમ કેન્દ્ર ખાતે જૈશે મોહંમદના આતંકવાદીઓએ અડધી રાતે હુમલો કર્યો હતો. આ આતંકવાદીઓને ઠાર કરાયા તે પહેલા હુમલામાં સલામતી દળોના પાંચ જવાનો શહીદ થયા હતા. આતંકવાદીઓમાં કાશ્મીરના પોલીસ કર્મીનો ૧૬ વર્ષનો દિકરો પણ સામેલ હતો.

સોપોરના આતંકવાદી હુમલાની જવાબદારી જૈશે મોહંમદે સ્વીકારી

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં આઇઇડી દ્વારા કરાયેલા ભયાનક વિસ્ફોટમાં ચાર પોલીસ કર્મીઓશહીદ થયા છે જે હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશે મોહંમદ સ્વીકારી છે. વિસ્ફોટને કારણે અન્ય બે પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘવાયા છે. અલગતાવાદીઓએ બોલાવેલા બંધને કારણે પોલીસ ટીમ આ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી.