મોરબી, તા.ર૯
મોરબી જિલ્લાના વાંકાનેરમાં સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેનડેન્ટ ડૉ.જયદીપ ગોસાઈ પર સામાન્ય બાબતે ભાજપ અગ્રણી જીતુ સોમાણીએ હુમલો કર્યાની ઘટનાના ગોસ્વામી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને પાસાના પીંજરે પુરવા સહીતની કડક કાર્યવાહીની માંગ સાથે મોરબી દશનામ ગોસ્વામી સમાજે રૂબરૂ મોરબી જિલ્લા કલેક્ટર અને એસપીને રજૂઆત કરીને વાંકાનેરના તબીબ પર હુમલો કરનાર ભાજપ અગ્રણી સામે પાસા સહિતની સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોરબી દશનામ ગોસ્વામી સમાજે આજે મોરબી જિલ્લા પોલીસવડા અને જિલ્લા કલેકટરને આવેદન આપી વાંકાનેરના તબીબ પર હુમલો કરવાની ઘટના સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી હતી આવેદનમાં જણાવ્યું હતું કે, વાંકાનેરની સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેનડેન્ટ ડૉ.જયદીપ ગોસાઈ પર ત્રણ દિવસ અગાઉ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી જીતુ સોમાણીએ સામાન્ય બાબતમાં ગુસ્સે ભરાઈને ફડાકા ઝીંકી દીધા હતા. આ ડોકટર પરના હુમલાથી દશનામ ગોસ્વામી સમાજ લાલઘૂમ થઈ ગયો છે અને આ બનાવની કડક શબ્દોમાં આલોચના કરીને ઉગ્ર વિરોધ કર્યો છે દશનામ ગોસ્વામી સમાજે ગૃહમંત્રીને રજૂઆત કર્યા બાદ આજે મોરબી દશનામ ગોસ્વામી મંડળ મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ સાથે દશનામ ગોસ્વામી ગુજરાત મહામંડળના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મોરબી જિલ્લા કલેકટર અને મોરબી જિલ્લા પોલીસવડાને આવેદન પત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, ડૉ.જયદીપ ગોસાઈ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે દર્દીઓનેની સેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે બનાવના દિવસે નિયમ મુજબ કામગીરી કરતા હોવા છતાં આ ડોકટર પર ભાજપ અગ્રણીએ હુમલો કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. જો કે, અગાઉ અનેક વખત દશનામ ગોસ્વામી સમાજના લોકો પર આવા બનાવો બન્યા હોવાનું જણાવીને ફરી વખત આવા બનાવો ન બને તે માટે વાંકાનેરના તબીબ પર હુમલો કરનાર ભાજપ અગ્રણી સામે પાસા સહિતની કડક કાર્યવાહી કરવાની માંગ જિલ્લા કલેક્ટર અને એસપી કરનરાજ વાઘેલાને આવેદન આપી આરોપીની ધરપકડ કરી પાસાના પીંજરે પૂરવાની કડક હાથે કામગીરી કરવા ઉગ્ર રજૂઆત કરાઈ હતી.