(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
જમ્મુ અને કાશ્મીરના પોલીસ કર્મીઓના પરિવારના અપહરણ કરાયેલા સભ્યોની મુક્તિના બદલામાં એક ત્રાસવાદીના પિતાને છોડવા અંગે સર્જાયેલા વિવાદ અને રાજ્યના નવા રાજ્યપાલ સત્યપાલ મલિક સાથેના ગંભીર મતભેદો વચ્ચે જમ્મુ અને કાશ્મીરના પોલીસ વડા એસપી વૈદની તાકીદે ટ્રાન્સફર કરીને તેમને રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશનર બનાવી દેવામાં આવ્યા છે અને વેદના સ્થાને ૧૯૮૭ બેચના આઇપીએસ અધિકારી અને જેલના ડીજીપી દિલબાગસિંહને નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે. એસપી વૈદને જેવી રીતે રાજ્યના પોલીસવડાપદેથી હટાવવામાં આવ્યા છે, તેની સામે રાજકીય પક્ષોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે એવું ટિ્‌વટ કર્યું છે કે વૈદના ટ્રાન્સફરમાં આટલી ઉતાવળ કરવાની કોઇ જરૂર ન હતી. કાયમી વ્યવસ્થા થાય ત્યાં સુધી તેમની ટ્રાન્સફર કરવી જોઇતી ન હતી.
દરમિયાન, રાજ્યપાલ સત્યપાલ મલિકે હોદ્દો સંભાળ્યાના થોડાક જ દિવસો બાદ એસપી વૈદની મહત્વની વહીવટી સત્તાઓમાં કાપ મુકી દેવામાં આવી હતી, તેમાં ઓપરેશનલ ફંડને મંજૂરી આપવાની સત્તાનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, વૈદ પાસેથી કેટલીક મહત્વની સત્તાઓ પણ પાછી લઇને તેમના જુનિયર મુનીર ખાનને સોંપી દેવામાં આવી હતી. એસપી વૈદના સ્થાને દિલબાગસિંહની નિયુક્તિ હંગામી છે અને ટૂંક સમયમાં જ રાજ્યને નવા પોલીસ વડા મળવાની સંભાવના છે.
જોકે, એસપી વૈદે ટિ્‌વટ કરીને જણાવ્યું કે હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને પોતાના લોકો અને પોતાના દેશની સેવા કરવાની તક આપી. જમ્મુ-કાશ્મીર પોલીસ, સુરક્ષા એજન્સીઓ અને રાજ્યના લોકોએ મારામાં વિશ્વાસ દેખાડ્યો અને મારો સાથ આપ્યો, એના માટે હું તેમનો આભારી છું. નવા ડીજીપીને મારી શુભકામનાઓ.