(એજન્સી) તા.૨પ
સુનંદા પુષ્કરના મોતનો કેસ દિલ્હીની એક કોર્ટે સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો છે. ગુરુવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્રસિંહે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલને સુપરત કર્યો છે. ૨૮ મેના રોજ આ કેસની સુનાવણી થશે. આ કેસમાં સુનંદાના પતિ અને કોંગ્રેસના નેતા શશિ થરુર સામે ચાર્જશીટ દાખલ કરી છે. કોર્ટે કેસ ટ્રાન્સફર કરતા કહ્યું કે કેસ સાથે સંકળાયેલી એક વ્યક્તિ સાંસદ છે, તેથી આ કેસ આવા મામલા માટે બનેલી ખાસ કોર્ટને મોકલવામાં આવી રહ્યો છે. દિલ્હી પોલીસે કેસમાં ૩૦૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં શશિ થરુર પર સુનંદાને આપઘાત માટે ઉશ્કેરવા અને ક્રૂરતાનો આરોપ મૂક્યો છે. સુનંદા ૧૭ જાન્યુઆરી ૨૦૧૪ની રાત્રે દિલ્હીની એક હોટલની રૂમમાં મૃત હાલતમાં મળી હતી. દિલ્હી પોલીસે ત્યારે એક જાન્યુઆરી ૨૦૧૫ના રોજ અજ્ઞાત વ્યક્તિ સામે હત્યાનો કેસ નોંધ્યો હતો. જોકે સુનંદા પુસ્કરના આ કેસમાં ઘરેલુ નોકર નારાયણસિંહને એક મુખ્ય સાક્ષી બનાવવામાં આવ્યો છે. જોકે તમને જણાવી દઈએ કે શશિ થરુર સામે આઈપીસીની સેક્શન ૪૯૮એ અને ૩૯૬ હેઠળ કેસ આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે ૪૯૮એની કલમ હેઠળ મહત્તમ સજા ત્રણ વર્ષની થઈ શકે છે જ્યારે ૩૦૬ની કલમ હેઠળ શશિ થરૂરને જો સજા ફટકારવામાં આવે તો કદાચ તેમને ૧૦ વર્ષ સુધીની સજા ફટકારવામાં આવી શકે છે. જોકે અત્યારસુધી કહેવાતું હતું કે સુનંદા પુષ્કર જે શશિ થરુરની પત્ની છે તેણે આપઘાત કરી લીધો હતો. સેક્શન ૧૧૩એ ઈન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ કોર્ટે કહ્યું કે અમે આ કેસની તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈશું. શું સુનંદા પુષ્કરે પતિના અત્યાચારને કારણે આપઘાત કરી લીધો ? કે પછી કોઈ અન્યના દબાણ હેઠળ તેમણે આ પગલું ભર્યુ હતું ? જોકે ચાર્જશીટમાં અનેક પ્રકારના મેડિકલ રિપોટ્‌ર્સ પણ સામેલ કરાયા છે. થરુર સાથેના ચાર વર્ષના લગ્નસંબંધ બાદ તેમનું મૃત્યુ થયું હતું. જેમનો મૃતદેહ એક હોટલમાંથી મળી આવ્યો હતો. નોંધનીય છે કે જે રૂમમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો તેને સીલ મારી દેવાયો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ મામલે ૧ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ ફરિયાદ પણ નોંધી હતી.