મૈડ્રિડ

સ્પેનનું શહેર બાર્સિલોનાના સિટી સેન્ટરમાં એક વેને કેટલાક લોકોને કચડી નાંખ્યા છે. ગુરુવારે પોલીસે આ જાણકારી આપી હતી. સ્થાનિક મીડિયાના પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા છે. પોલીસે તેને આતંકી હૂમલો દર્શાવ્યો છે. પોલીસે ટ્વીટર પર આ ઘટનાને ભયંકર બતાવી હતી.

જો કે ભારતીય દૂતાવાસમાં તમામ સભ્યો સુરક્ષિત છે.

કૈટોલોનિયાની પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે બાર્સિલોનાના લૉસ રામબ્લાસ વિસ્તારમાં એક વ્યક્તિએ વાહનને ટક્કર મારી હતી અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. એએફપીના એક સંવાદદાતાના કહેવા પ્રમાણે આ ઘટનાવાળા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. ઘટનાસ્થળ પર એમ્બ્યુલન્સ અને પોલીસના વાહનો પહોંચી ગયા છે. લૉસ રામબ્લાસ બર્સિલોનાનો ખુબ જ જાણીતો અને ખુબ જ ભીડભાડવાળો વિસ્તાર છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં પર્યટકોની વધારે ભીડ રહેતી હોય છે. અને રાત સુધી અહીંયા મનોરંજનના કાર્યક્રમો ચાલતા રહે છે. સ્પેન અત્યાર સુધી આતંકવાદીઓના હૂમલાથી બચતું રહ્યું છે, પણ અગાઉ ફ્રાન્સ, બેલ્જિયમ અને જર્મનીમાં આતંકવાદી હૂમલા થયા હતા.

આ ઘટનાની પાસે આવેલ મેટ્રો અને રેલવે સ્ટેશનોને બંધ કરવાની અપીલ કરવામાં આવી છે, એલ પાયસ સમાચારપત્રના કહેવા અનુસાર ડઝનથી વધુ લોકોને કચડી નાંખ્યા બાદ વેનનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે.

ઘટનાની વિસ્તૃત જાણકારી મળી શકી નથી, પણ નોંધનીય છે કે જુલાઈ 2016 પછી યુરોપમાં કેટલીય વાર આતંકી હૂમલામાં ગાડીઓનો ઉપયોગ લોકોને કચડી નાંખવા માટે થયો છે.