(એજન્સી) તા.ર૭
કોંગ્રેસે શરૂ કરેલા ‘’ અભિયાનના પાંચમાં ચરણમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અહમદ પટેલે લોકતંત્ર પર થઈ રહેલા પ્રહારો અને બંધારણને કમજોર બનાવવાના પ્રયત્નો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પટેલે કહ્યું હતું કે, હાલ દેશમાં એક અઘોષિત કટોકટી ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, “જે રીતે ચૂંટાયેલી સરકારોને તોડવામાં આવે છે તે લોકતંત્ર અને આપણા બંધારણની વિરૂદ્ધ છે” તેમણે અરૂણાચલ પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, મણીપુર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઉદાહરણો પણ આવ્યા હતા. જ્યાં કોંગ્રેસની ચૂંટાયેલી સરકારો તોડી પાડવામાં આવી હતી અથવા તો તેમને અસ્થિર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અહમદ પટેલે કહ્યું હતું કે, “જ્યાં પણ કોંગ્રેસની સરકાર ચૂંટાઈને આપે છે ત્યાં તેને તોડવાના તેમજ કમજોર પાડવના પ્રયાસો કરવામાં આવે છે. આ માટે ચૂંટાયેલા ધારાસભ્યોને ધમકી આપવામાં આવે છે કાં તો લાંચ આપી તેમના પર રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવે છે.” તેમણે કહ્યું હતું કે, આ બધું કરવા પાછળ ફક્ત સરકાર તોડવાનો ઉદ્દેશ હોતો નથી પરંતુ સાથે-સાથે રાજ્યસભામાં પણ બેઠકો વધારવાની ગણતરી હોય છે.” પટેલે કહ્યું હતું કે, હાલમાં રાજ્યપાલની જે નિષ્પક્ષ ભૂમિકા હોવી જોઈએ તે જોવા મળતી નથી. કોવિડ-૧૯ મહામારીનો સામનો કરવા માટે રાજ્ય સરકાર વિધાનસભાનું સત્ર બોલાવવા માંગે છે પરંતુ રાજ્યપાલ તેના માટે પરવાનગી આપતા નથી જે લોકતંત્રની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, “આજે બંધારણનું રક્ષણ આપણી સમક્ષ સૌથી મોટો મુદ્દો છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર સહિત ઘડવૈયાઓએ દેશને એકજૂથ રાખવા માટે જે બંધારણ આપ્યું છે અને હવે તે જ બંધારણને નબળું પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. બંધારણીય સંસ્થાઓમાં પોતાના માણસો ગોઠવી જે નિર્ણયો લેવામાં આવે છે અને આદેશો બહાર પાડવામાં આવે છે તે દેશ માટે સૌથી મોટો ખતરો છે. જો આપણે દેશને બચાવવું હશે તો આપણા બંધારણ તેમજ લોકતંત્રને બચાવવું પડશે. હાલમાં રાજસ્થાનમાં જે ચાલી રહ્યું છે તેના માટે તેમજ અન્ય મુદ્દાઓ માટે આપણે અવાજ ઉઠાવવો પડશે.” અહમદ પટેલે કહ્યું હતું કે, “આપણા માટે આપણો દેશ સૌથી ઊંચો છે અને કોઈપણ દેશ બંધારણ વગર પ્રગતિ સાધી શકતો નથી. આજે જે રીતે બંધારણને નબળું પાડવાના પ્રયાસો થઈ રહ્યાં છે તેનું સૌથી મોટું ઉદાહરણ રાજસ્થાનની રાજકીય કટોકટી છે. આપણે બંધારણને બચાવવા માટે એકજૂથ થઈને અવાજ ઉઠાવવો જ પડશે.”