હિંમતનગર, તા.૧૯
સાબરકાંઠા જિલ્લામાં લોકડાઉનનાં ચોથા તબક્કામાં મંગળવારે એક કોરોના પોઝિટિવ અને હિંમતનગર તાલુકાના વીરપુર ગામના રહીશ તથા ગાંધીનગર ખાતે એસ.આર.પીમાં ફરજ બજાવતા કોરોના સામે હારી ગયો છે. ત્યારબાદ જિલ્લામાં કોરોનાથી થયેલા મૃત્યનો આંક ત્રણ પર પહોંચ્યો છે. સાથોસાથ ખેડબહ્મા તાલુકાના આગિયા ગામે ક્વોરન્ટાઈન કરાયેલા એક એનઆરઆઈ યુવાન પણ કોરોનાની ઝપેટમાં આવી જતા તેને સારવાર માટે હિંમતનગર સિવિલમાં લાવી દેવાયો છે.
આ અંગે સિવિલના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના વીરપુર ગામના કનુભાઈ પ્રજાપતિ છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર એસઆરપીમાં ફરજ બજાવે છે તે દરમ્યાન તેઓ તાજેતરમાં વીરપુર આવ્યા ત્યારે તેમની તબિયત અસ્વસ્થ જણાતા સારવાર લીધી હદતી જેમાં તપાસ દરમ્યાન કોરોના પોઝિટિવના લક્ષણો જણાતા સોમવારે તેમને હિંમતનગર સિવિલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાવ્યા હતા પરંતુ મંગળવારે લગભગ સાડા અગિયારેક વાગ્યાના સુમારે તેઓ કોરોના સામે હારી ગયા હતા અને અંતિમ શ્વાસ લઈ લીધો હતો.
દરમ્યાન ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામની આદર્શ નિવાસી શાળામાં કુવૈતથી આવેલા એનઆરઆઈ વિનોદભાઈ દેવજીભાઈ પંચાલ રહે.રાજસ્થાન તાજેતરમાં વિદેશથી આવ્યા બાદ તેમને ખેડબ્રહ્મા ખાતે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા જ્યાં તેમના નમૂના લઈ પૃથ્થકરણ કરાતાં મંગળવારે તેમનો કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા તેમને તરત જ હિંમતનગર સિવિલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના અંદાજે ૪૦ કેસ નોંધાયા છે જે પૈકી સોમવાર સુધીમાં ૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જોકે મંગળવારે એસઆરપી જવાનના મોત બાદ જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે.