ભરૂચ, તા.૩
ભરૂચ રેલવે સ્ટેશન નજીક એસ.ટી.બસ રેલવે ગોદીના ટ્રેક પર ચઢી જતા દોડધામ મચી હતી. તેમજ બસમાં સવાર ૩૦થી વધુ પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો.
માહિતી મુજબ આજરોજ સવારના સમયે ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે ગોદીમાંથી પસાર થતી ભરૂચ-વતરસા કોઠી વચ્ચે દોડતી એસટી બસ ખાડામાં સ્લીપ ખાઇ જતા ૩૦થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
જોકે મેઈન રેલવે ટ્રેક ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. રોડથી ૨૦ ફૂટ દુર રેલવે ગોદીમાંથી બસ પસાર કરવી બસ ચાલકને ભારે પડી હતી.
ઘટના સર્જાતા મુસાફરોને તાત્કાલિક બહાર ઉતારી બસને કાઢવાની તજવીજ શરૂ કરાઇ હતી. ઘટનાની જાણ થતાં ભરૂચ રેલવે સ્ટેશન માસ્ટર આર. પી. એફ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. શોર્ટકટ મારવાની લહાયમાં મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હોય તેવી બાબત કહી શકાય.
ભરૂચ રેલવે ગોદી પાસેથી આવતા ટર્નીગ ઉપર ગોદીનો ભાગ ખુલ્લો હોય એસ ટી ચાલકો શોર્ટકટ મારવા આ રસ્તાનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. જેથી આ સમગ્ર દુર્ઘટના સર્જાઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.