(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૧
ગુજરાતમાં પ્રવાસીઓનું આકર્ષણ બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનો યોગ્ય વિકાસ થાય અને રોજગારી વધે તે માટે રાજય સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરશે અને તેમાં અધ્યક્ષ તેમજ ૧પ સભ્યોનો સમાવેશ કરાશે. વિધાનસભામાં આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ વિસ્તાર અને પ્રવાસન નિયમન વિધેયક ચર્ચાને અંતે પસાર કરાયું હતું. ગૃહમાં આજે ના. મુખ્યમંત્રી નીતિન પટેલે આ વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે, કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રવાસન પ્રવૃતિઓને વેગવાન બનાવી રોજગારીનું પ્રમાણ વધે તથા સમગ્ર વિસ્તારનો આયોજિત રીતે કિવાસ થાય તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઓથો.ની રચના કરાશે. સંસ્થાકીય વ્યવસ્થા માટે આ સત્તા મંડળ નગર આયોજના વિકાસ નિયંત્રણ આંતર માળખાકીય સુવિધાઓ સહિત સલામત પ્રવાસની વ્યવસ્થાઓનું નિર્માણ કરશે. તેમણે ઉમેર્યું કે આ વિધેયકમાં પપ જેટલી કલમોની જોગવાઈ કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા તેની આજુબાજુના વિસ્તારને પ્રવાસન વિકાસ વિસ્તાર તરીકે જાહેર કરી શકાશે. પ્રવાસન સત્તામંડળની સત્તાઓ અને કાર્યોમાં, વિકાસ યોજના/નગર રચના યોજનાઓ બનાવવી વિકાસ પ્રવૃતિઓનું નિયમન અને અનઅધિકૃત બાંધકામનું નિયંત્રણ, આંતર માળખાકીય સુવિધાઓ તથા સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સહિત અન્ય નાગરિક સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવી, સત્તામંડળ વિસ્તારમાં આવેલ જમીનનું પ્રબંધન, સંપાદન વગેરે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ હેઠળ વિકાસ યોજના અને નગર રચના યોજનાઓ બનાવવી, મંજૂર કરવી અને તેનું અમલીકરણ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ વિધેયકમાં વિકાસ પરવાનગી આપવી અને અનઅધિકૃત બાંધકામને નિયંત્રિત કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. પ્રવાસીઓની સુરક્ષા અને સત્તામંડળ વિસ્તારની દેખરેખ અને જાળવણીની જોગવાઈઓ કરવામાં આવેલ છે. પ્રવાસનને લગતા વ્યવસાયની નોંધણી અને તેનું નિયમન, ટુરીસ્ટ ગાઈડની નિમણૂક અને લાયસન્સ આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. કલમ-૩ હેઠળ જાહેર કરાયેલ પ્રવાસન વિકાસ વિસ્તારને નોટીફાઈડ એરિયા તરીકે જાહેર કરી શકાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના અને તેની આજુબાજુના વિસ્તાર માટેની જરૂરિયાતો ધ્યાને લઈને આ બીલ બનાવવામાં આવે છે. આ એક જ કાયદામાં નગર રચના યોજનાઓ બનાવવી અને અમલીકરણ કરવું, વિકાસ પરવાનગી આપવી અને અનઅધિકૃત વિકાસનું નિયમન કરવું સત્તામંડળ દ્વારા નાગરિક સુવિધાઓ પૂરી પાડવી પ્રવાસનને લગતી પ્રવૃતિઓનું નિયંત્રણ કરવું અને સલામત પ્રવાસન પુરૂ પાડવું જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે.