(એજન્સી) તા.૩
૪૩૦ મિલિયન ડોલરના ખર્ચે બની રહેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ૩૧ ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્‌ઘાટન થશે. ર૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારબાદ આ ૧૮ર મીટર ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણકાર્ય શરૂ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનવું છે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની જેમ આ પ્રતિમા પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રતિમાને જોવા માટેની ઈચ્છા ધરાવતા પ્રવાસીઓએ ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદથી રપ૦ કિમીની મુસાફરી કરવી પડશે. જ્યારે ભારતમાં આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ મેગા-પ્રોજેક્ટ સાથે રાજકીય હેતુઓ પણ સંકળાયેલા છે. ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી હતા. તેમણે આઝાદી પછી ભારતના રજવાડાઓના એકીકરણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપનો આક્ષેપ છે કે નહેરૂના પરિવારવાદે સરદાર પટેલને હાંસિયામાં ધકેલી દીધા હતા. વડાપ્રધાન મોદીએ ર૦૧૩માં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, દરેક ભારતીયને દુઃખ છે કે સરદાર પટેલ પ્રથમ વડાપ્રધાન ન બની શક્યા.