(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
સુપ્રીમકોર્ટે આજે નાગરિકતા સુધારા કાયદાને પડકારતી અરજીઓની પહેલી સુનાવણી વખતે વિવાદિત કાયદા ઉપર મનાઈ હુકમ આપવા ઈન્કાર કર્યો અને સરકારને દાખલ થયેલ અરજીઓ સંદર્ભે જવાબ રજૂ કરવા જણાવ્યું. અરજદારોએ નાગરિકતા સુધારા કાયદા ઉપર હુમલો કરતાં જણાવ્યું છે કે, આ કાયદો બંધારણનું ઉલ્લંઘન છે. કોર્ટે આગામી સુનાવણી રર જાન્યુઆરીએ રાખી છે. અરજદારો તરફે વકીલ કપિલ સિબ્બલ હાજર હતા. એમણે દલીલ કરી કે કાયદાના અમલીકરણને અટકાવવા જોઈએ કારણ કે એ અંગેના હજુ નિયમો ઘડાયા નથી પણ એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે મનાઈ હુકમનો વિરોધ કર્યો. ગયા અઠવાડિયે સુપ્રીમકોર્ટમાં આ કાયદાને પડકારતી લગભગ ૬૦ અરજીઓ દાખલ થઈ છે. સંસદમાં સરકારે આ બિલ પસાર કરાયા પછી અરજીઓ દાખલ થઈ હતી. આ કાયદા હેઠળ ત્રણ પાડોશી દેશો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વસવાટ કરી રહેલ ધાર્મિક લઘુમતીઓ જો અત્યાચારોનો સામનો કરતા હોય તો એમને ભારતમાં નાગરિકતા આપવામાં આવશે. આ કોમોમાં હિન્દુઓ, ક્રિશ્ચિયનો, શીખો, જૈનો, પારસીઓ અને બૌદ્ધોનો સમાવેશ કરાયો છે. આ વિશેષ કાયદો એવા લોકોને લાગુ પડશે જેઓ ભારતમાં ૩૧મી ડિસેમ્બર ર૦૧૪ પહેલાં આવેલ હશે. આ વિવાદિત કાયદાનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ઉત્તરપૂર્વથી શરૂ થયેલ વિરોધો સમગ્ર દેશમાં ફેલાયા છે. દિલ્હીમાં જામિયા મિલિયા યુનિ.માં વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા હતા. જેમાં પોલીસ ઉપર આક્ષેપો મૂકાયા હતા. પોલીસ દમનના વિરોધમાં દેશભરની યુનિ. અને કોલેજોમાં વિરોધ થયા છે. મોટાભાગની અરજીઓ કરનારાઓ સાંસદો છે. કેરળના મુસ્લિમ લીગ અને એમના ચાર ધારાસભ્યોએ સૌથી પહેલાં સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી. એમના પછી કોંગ્રેસના જયરામ રમેશ અને આરજેડીના મનોજ ઝાએ અરજી દાખલ કરી હતી. અરજદારોએ મુખ્યત્વે બંધારણના અનુ.૧૪નું ભંગ થયું હોવાનું જણાવ્યું છે. એમાં જણાવ્યું છે કે, ધાર્મિક આધારે આપણા બંધારણ મુજબ ભેદભાવ થઈ શકે નહીં.

કેન્દ્રના સરકારી વકીલે પાકિસ્તાનની કોર્ટના વખાણ કર્યાં

નાગરિકતા સુધારણા કાયદા સામેની અંદાજે ૬૦ રીટ અરજીઓની સુનાવણી વખતે કોર્ટ રૂમમાં અજરદારોના વકીલોની દલીલોથી ભારે શોરબકોર થતાં કોર્ટરૂમમાં અવ્યવસ્થા સર્જાઇ હતી. તે જોઇને કેન્દ્ર સરકારનના વરિષ્ઠ એડવોકેટ વેણુગોપાલે તેને અયોગ્ય ગણાવીને પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટના વખાણ કર્યા હતા. સુપ્રિમ કોર્ટમાં ટૂંકી પરંતુ તનાવપૂર્ણ સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ અને વેણુગોપાલ બંનેએ એક સાથે અનેક વકીલોએ બૂમરાણ મચાવતા તેની સાથે અસંમતિ દર્શાવી હતી કે કોર્ટમાં આ રીતની સુનાવણીને યોગ્ય વાતાવરણ નથી. આ તબક્કે સરકારી વકીલ વેણુગોપાલે પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટના વખાણ કરતાં કહ્યું કે “હું પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. તેઓની સુનાવણીની આદર્શ પધ્ધતિ એવી છે કે જ્યાં ફક્ત એક જ વકીલ બેંચને સંબોધન કરે છે … અમારી પાસે( ભારતની સુપ્રિમ કોર્ટમાં) એવું કંઈક અહીં હોવું જોઈએ, એમ શ્રી વેણુગોપાલે સૂચન કર્યું હતું.