(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૧
શહેરમાં ગાજરાવાડી અને ડભોઇ રોડ વિસ્તારનાં લોકો માટે માથાનો દુઃખાવો બનેલો સ્લોટર હાઉસ પુનઃ વિવાદમાં આવ્યું છે. બુધવારની રાત્રે એકસ્પાયરી ડેટનો મેડીકલ વેસ્ટ બાળવાની કામગીરીને રોકવા માટે રજુઆત કરવા ગયેલા કોન્ટ્રાકટરનાં કર્મચારીઓ સહિતનાં ટોળાએ સ્થાનિક રહીશો અને તેમના પરિવાર ઉપર હુમલો કરતાં ૩ વ્યકિતઓને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે પાણીગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર ગાજરાવાડી વાઘોડિયા રોડ, ડભોઇ રોડ સહિતના વિસ્તારનાં લોકો માટે સ્લોટર હાઉસ ગંભીર સમસ્યા ઉભી કરી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આ સ્લોટર હાઉસને શહેરની બહાર ખસેડવા તંત્રને રજુઆત સાથે જનતા મેમો આપ્યો હતો. બુધવારની રાત્રે મેડિકલ વેસ્ટ બાળવામાં આવતા તેની દુર્ગંધથી સ્થાનિક રહીશોમાં ગભરાટ જેવું લાગતા રહીશો રજુઆત કરવા ગયા હતા. તે વખતે મોડીરાત્રે દિનેશ નામનાં કર્મચારીને કચરો બાળવાનું બંધ કરવા જણાવતા દિનેશ તથા મધુભાઇ સહિત અન્ય ૧૦ વ્યકિતઓએ હુમલો કર્યો હતો. જેમાં શ્યામરાજનાં પિતા તથા તેમની માતા સહિત ૩ જણને ઇજા પહોંચી હતી. મોડીરાત્રે થયેલા આ ધિંગાણાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઇજાગ્રસ્ત ૩ને જણાંને હોસ્પિટલમાં ખસેડયા હતા. પાણીગેટ પોલીસે દિનેશ, મધુભાઇ અને અન્ય ૧૦ જણાં સામે રાયોટીંગ મારામારી સહિતનાં ગંભીર ગુનાઓ નોંધી તપાસ હાથ ધરી હતી. વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગને કેમીકલ વેસ્ટનો નાશ કરવા માટે જગ્યા ફાળવેલી છે તેમ છતાં અહીં બાળવામાં આવે છે. જે અંગે મ્યુનિ.કમિશ્નરને અમે ફરિયાદ કરી તાત્કાલીક ધોરણે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.