(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૭
સુરતના સચિન વિસ્તારના અનમોલ નગરની ખુલ્લી જગ્યામાં કેમિકલ માફિયાઓ ઝેરી કેમિકલ ભરેલા પીપળા ફેંકી જતાં સ્થાનિકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. બનાવને પગલે સ્થાનિક લોકોએ પોલીસ અને પોલ્યુશન વિભાગને જાણ કરતા તેઓ દોડતાં થઇ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સચિન વિસ્તારમાં આવેલા અનમોલ નગરમાં ખુલ્લી જગ્યામાં આજે સવારે અચાનક દુર્ગંધ સાથે ધુમાડો જોવા મળ્યો હતો. જેના કારણે સ્થાનિક લોકો શું થયું છે તે જોવા દોડી ગયા હતા. જો કે, લોકો ધુમાડા પાસે પહોંચતાની સાથે જગ ભરાઇ ગયા હતા. અત્યંત દુર્ગંધ મારતું ઝેરી કેમિકલ કોઇ અજાણ્યા ઇસમો ફેંકી ગયા હતા. ઝેરી કેમિકલ ભરેલા ૧૦ થી વધુ પીપળા રાત્રી દરમિયાન કોઇ અજાણ્યા ઇસમો અનમોલ નગરના ખુલ્લી અવાવરું જગ્યામાં મૂકી ગયા હતા. જેના કારણે તેમાંથી ધુમાડો નિકળતો હતો અને અત્યંત દુર્ગંધ પણ આવતી હતી. બનાવને પગલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત લોકોએ પોલ્યુશન કંટ્રોલમાં પણ જાણ કરતા તેમની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. કેમિકલ ભરેલા પીપળા મળી આવતા પોલીસ અને પોલ્યુશન કંટ્રોલ વિભાગ દોડતું થઇ ગયું હતું. આ મામલે સ્થાનિક લોકોએ આક્રોશ સાથે આક્ષેપ કર્યો હતો કે અગાઉ પણ સચિન વિસ્તારમાં કેમિકલ માફિયાનો કહેર વર્તાવી ચુક્યા છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચુકી છે. સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, પોલીસ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નામ માત્રની કાર્યવાહી કરે છે. પોલીસ આવા કેમિકલ માફિયાઓને પકડવામાં નિષ્ફળ નિવડે છે અને પોલ્યુશન બોર્ડ કોઇ કંપનીઓ સામે કાર્યવાહી કરતી નથી. હાલ તો આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.